બીજા વિકલ્પો તો દૂર રહો, પોતામાં જ્ઞાન અને આત્મા એવા ગુણગુણીભેદરૂપ
વિકલ્પથી પાર થઈને જ્ઞાન અંતરમાં પહોંચ્યું ત્યારે સાચા આત્માનો અનુભવ થયો.
જેઓ આત્મામાં પહોંચ્યા તેઓ આ રીતે, વિકલ્પથી પાર થઈને એક અભેદ
ચૈતન્યવસ્તુના અનુભવથી જ પહોંચ્યા છે. આવો અનુભવ થતાં જ્ઞાનીને સમ્યક્ જ્ઞાન–
દર્શન–ચારિત્રદશારૂપ પરિણમન થઈ જાય છે; પણ તે નિર્મળપર્યાય અંતરમાં અભેદ થાય
છે. ભેદ ઉપર લક્ષ રહેતાં કોઈપણ ગુણની નિર્મળતા ખીલતી નથી; અભેદવસ્તુના
અનુભવમાં એકાગ્ર થતાં બધા ગુણો એક સાથે નિર્મળભાવે પરિણમવા માંડે છે. એવા
અનંત ભાવોને પીને એક દ્રવ્ય બેઠું છે–તેને ધર્મી અનુભવે છે. માટે આવો અનુભવ
કરનાર ધર્મીને જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદો પણ વિદ્યમાન નથી, એક સર્વોપરી
શુદ્ધજ્ઞાયકતત્ત્વ જ તેના અનુભવમાં પ્રકાશે છે. ભિન્નભિન્ન અનંતગુણોનો સ્વાદ છે
ખરો પણ તે બધા એક જ્ઞાયકતત્ત્વમાં સમાઈ જાય છે, જ્ઞાયકતત્ત્વના અનુભવમાં તે
બધા ગુણોનો સ્વાદ કિંચિત્ એકમેકપણે સમાઈ જાય છે. અનંતધર્મોથી અભેદ આવા
આત્માના અનુભવને શુદ્ધ કહીએ છીએ, તેને જે અનુભવે છે તે જ્ઞાની છે.
સ્વરૂપ સમજાવવા માટે ગુણગુણી ભેદ પાડીને કેટલાક ધર્મોવડે કહ્યું કે આત્મા જ્ઞાન છે,
આત્મા દર્શન છે, આત્મા ચારિત્ર છે. આવા ભેદ તે વ્યવહાર છે, પણ તે વ્યવહારના તે
પરમાર્થ નથી. ભેદ પાડ્યાં તે કાંઈ ભેદના વિકલ્પમાં અટકવા માટે નથી પાડ્યા; પણ
જેને અભેદતત્ત્વનું લક્ષ નથી તેને તે સમજાવતાં વચ્ચે આવો ભેદ આવી જાય છે;
પ્રયોજન ભેદનું નથી, પ્રયોજન તો અભેદતત્ત્વ બતાવવાનું છે. તે અભેદના લક્ષ સહિત
આવા ગુણભેદને વ્યવહાર કહેવાય છે. કહેનારનો આશય અભેદનું લક્ષ કરાવવાનો છે,
ને ‘નિકટવર્તી શિષ્ય’ પણ તેવા જ આત્માનો અનુભવ કરવાના ધ્યેયથી સાંભળે છે,
એટલે તે ભેદના વિકલ્પમાં ઊભો ન રહેતાં અંતરમાં શ્રીગુરુનો આશય પકડીને અભેદ
જ્ઞાયકતત્ત્વપણે પોતાનો અનુભવ કરે છે.