Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 49

background image
: ૨૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
‘એકત્વ’ ના અનુભવમાં નિર્વિકલ્પ શાંતિ છે; ત્રણ ભેદમાં શાંતિ નથી. અહા,
ચૈતન્યના પાતાળમાં ઊંડે લઈ જઈને આત્મા બતાવ્યો છે. ભાઈ, તારે ખરેખરો આત્મા
પ્રાપ્ત કરવો હોય (અનુભવમાં લેવો હોય) તો અંદર ચૈતન્યના પાતાળમાં ઊંડે જા.
વિકલ્પ તો ચૈતન્યસમુદ્રથી બહાર છે, તે વિકલ્પમાં ઊભો રહીને શોધીશ તો આત્મા નહીં
મળે. પ્રભો! તને રાગવાળો ને ભવવાળો અશુદ્ધ કહેવો તે તો કલંક છે, શરમ છે, તેમાં
તારી મોટપની સાચી ઓળખાણ નથી; અરે, આત્મા જ્ઞાનવાળો–એવા ગુણભેદના
વિકલ્પવડે પણ આત્માની શોભા નથી; આત્માની શોભા, આત્માની ખરી મોટપની
ઓળખાણ તો અનંતગુણ–પર્યાયોથી અભેદ એવા એકાકાર જ્ઞાયકતત્ત્વના અનુભવમાં
છે. આવો અનુભવ કરનાર ધર્મી જીવ વીતરાગરસના પ્યાલા પીએ છે. આવો અનુભવ
કરે તેને સમ્યગ્દર્શન કહેવાય, તે જ જૈન કહેવાય. અહીં તો કહે છે કે આવી અનુભૂતિમાં
જ્ઞાનીને અનંતારસથી ભરપૂર એવો જે ચૈતન્યરસ ઘોળાય છે, તેમાં જ્ઞાન–દર્શન–
ચારિત્રના ભેદ પણ વિદ્યમાન નથી.
અહો, સંતોએ તો એકલા વીતરાગી ચૈતન્યરસને ઘોળ્‌યો છે. એ ચૈતન્યરસમાં
કોઈ વિકલ્પને અવકાશ નથી. પ્રભુ! આવો આત્મા તું પોતે છો. તારા આવા
ચૈતન્યપાતાળમાં ઊંડો ઊતરતાં તેમાં કોઈ વિકલ્પ નથી, એકલો નિર્વિકલ્પ શાંત
ચૈતન્યરસ જ અનુભવાય છે. એ ચૈતન્યરસમાં અનંતાગુણની નિર્મળપર્યાયનો રસ
સમાઈ ગયો છે. આવો અનુભવ કર્યો ત્યારે ‘હું આત્મા આવો છું’ એમ ખબર પડી,
જ્ઞાયકભગવાન પોતાના શુદ્ધસ્વરૂપે પ્રગટ થયો.
આવા આત્માનો અનુભવ કરવા માટે જે ‘નીકટવર્તી’ થયો છે, એક તો ગુરુ
ઉપરની શ્રદ્ધાપૂર્વક આ સમયસાર સાંભળવા માટે ગુરુ પાસે નીકટ આવ્યો છે ને
શુદ્ધઆત્માની વાત સાંભળવા ઊભો છે–એ રીતે ‘નીકટવર્તી’ છે; અને બીજું–અંદરમાં
ભાવથી પણ તે શિષ્ય શુદ્ધ આત્માના અનુભવની નજીક આવ્યો છે માટે ‘નીકટવર્તી’ છે.
તેને અભેદનો હજી અનુભવ નથી એટલે ભેદપૂર્વક અભેદનો ઉપદેશ દ્યે છે પણ તે શિષ્ય
પોતે ભેદના વિકલ્પમાં અટકવા માંગતો નથી, તે તો શુદ્ધાત્માના જ અનુભવનો કામી
છે, બીજી કોઈ વાતમાં અટકતો નથી; અને શ્રીગુરુ પણ ભેદથી પાર જ્ઞાયકતત્ત્વ બતાવે
છે; તેથી શિષ્ય ભેદના વિકલ્પનો પણ નિષેધ કરીને, તે એક અભેદ જ્ઞાયકતત્ત્વને
અનુભવમાં લઈ લ્યે છે. આવા અનુભવમાં જ્ઞાયકઆત્માના અનંતધર્મોનો રસ સમાઈ
જાય છે; તેમાં ગુણભેદ નથી, એક શુદ્ધજ્ઞાયકપણે જ આત્મા પ્રકાશે છે.