Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 49

background image
: માહ : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
ધર્મીનું સ્વરૂપ સમજાવવા માટે તેના જ્ઞાનાદિ ધર્મોનો ભેદ પાડીને કહ્યું, તેમાં પણ
એવા ધર્મો લીધા કે જેનાવડે ધર્મીઆત્માનું પરથી ભિન્નસ્વરૂપ ઓળખાય. રાગવાળો
કહીને આત્માને ન ઓળખાવ્યો; પણ ‘જ્ઞાન તે આત્મા’ એમ કહીને રાગાદિથી રહિત
શુદ્ધઆત્મા ઓળખાવ્યો.
ગુણ–પર્યાયોરૂપ પોતાના અનંતધર્મોથી આત્માને જુદાપણું નથી. એક
પરમાર્થવસ્તુમાં તેના ગુણ–પર્યાયોનો ભેદ નથી, જુદાઈ નથી. અનુભવમાં જેઓ એકાગ્ર
છે તેઓ તો અભેદ જ્ઞાયકવસ્તુને અનુભવે છે, તેમાં તેઓ કોઈ ભેદ ઉપજાવતા નથી;
પણ નિકટવર્તી શિષ્યને સમજાવવા જેઓ ઉપદેશ આપે છે તે આચાર્ય, પોતે પણ
સવિકલ્પદશામાં આવ્યા છે ને શિષ્યને સમજાવવા ધર્મીના કેટલાક ધર્મોનો ભેદ પાડીને
કથન કરે છે કે જ્ઞાની–આત્મા દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ છે. આત્માને દર્શન–જ્ઞાન–
ચારિત્રસ્વરૂપ કહ્યો તેમાં રાગ અને શરીરાદિ નીકળી ગયા, વિકલ્પો જુદા પડી ગયા.
જ્ઞાનાદિ ધર્મોની એકતા રાગાદિ સાથે નથી પણ આત્મા સાથે જ તેની એકતા છે. આ
રીતે ધર્મ દ્વારા પણ રાગાદિથી ભિન્ન એવો આત્મા જ લક્ષમાં આવે છે. ભેદ કહ્યો તે તો
માત્ર વ્યવહારથી જ છે; પરમાર્થ તો અનંતધર્મને પી ગયેલી એક અભેદ આત્મવસ્તુ છે,
તેનો અનુભવ કરનારને કોઈ ભેદવિકલ્પ નથી. આવો અનુભવ કરનાર આત્માને જ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
અરે, વિકલ્પમાં આત્મતત્ત્વ કેમ આવે? અનંત ગુણસ્વરૂપ આખી ચૈતન્યવસ્તુ
ભેદના વિકલ્પથી કેમ પમાય? જ્યારે જ્ઞાન સર્વે વિકલ્પોથી છૂટું પડીને ચૈતન્યસ્વભાવમાં
અભેદ થઈને પરિણમે ત્યારે તેમાં અભેદ દ્રવ્ય આખું અનુભવમાં આવે છે. આ
અનુભવમાં અનંત ગુણ–પર્યાયો સમાઈ ગયા છે, એક અભેદ વસ્તુપણે જ આત્મા
પ્રસિદ્ધ થાય છે...ગુણ–પર્યાયના ભેદવગરનો આખો આત્મા, અનંતગુણના એકમેક
મળેલા સ્વાદપણે અનુભવમાં આવે છે...એટલે તેમાં નિર્વિકલ્પ શાંતરસનું જ વેદન છે;
વિકલ્પોની આકુળતા તેમાં નથી.
પર્યાય જ્યાં સ્વભાવસન્મુખ વળીને એકાગ્ર થાય છે ત્યાં એકરૂપતા જ
અનુભવમાં આવે છે. તે અનુભવમાં અનંતગુણોનો સ્વાદ એક સાથે છે; તેથી તે ગુણોનો
આસ્વાદ કિંચિત્ એકમેક મળી ગયેલો છે. અનંતાગુણના સ્વાદનો આનંદરસ અનુભવમાં
છે. આવો સમ્યગ્દ્રષ્ટિનો અનુભવ છે. આત્માનું સ્વરૂપ જ આવું છે. અહા, એકરૂપ
આત્માની અનુભૂતિમાં અનંતગુણનો રસ આવે છે. અનુભવનો આવો મહા ચૈતન્યરસ,