Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 49

background image
: ૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
સમાધિમરણ – પ્રસંગે આરાધનામાં શૂરવીર મુનિવરો
હે જીવ! વીરપુરુષોએ જે આરાધનાને આરાધી, તું પણ
ઉત્સાહથી તેને આરાધ.
સમાધિમરણમાં સ્થિત મુનિરાજને આચાર્ય ઉપદેશ આપે છે કે હે
ક્ષપકમુનિ! રત્નત્રયમાં અને ઉત્તમ ક્ષમાદિ ધર્મમાં સાવધાનપણે તમારા ચિત્તને
લીન કરો. કેમકે અત્યારે આરાધનાના ઉત્સવનો મહાન અવસર છે. આચાર્યના
આવા ઉલ્લાસ વચનોથી ક્ષપકમુનિનું ચિત્ત પ્રસન્ન અને ઉજ્વળ થાય છે. જેમ
ઘણા કાળનો તરસ્યો મનુષ્ય અમૃતજળના પાનથી તૃપ્ત થાય તેમ આચાર્યના
ઉપદેશરૂપી અમૃતના પાન વડે મુનિનું ચિત્ત આહલાદિત થાય છે; અને આચાર્ય
પ્રત્યે વિનયથી નમ્રીભૂત થઈને કહે છે કે હે ભગવાન! આપે આપેલું સમ્યગ્જ્ઞાન
મેં શિરોધાર્ય કર્યું છે; હવે જેમ આપની આજ્ઞા હોય તેમ હું પ્રવર્તન કરીશ.
સમાધિમરણમાં હું જરાપણ શિથિલ નહીં થાઉં. આપના તથા સંઘના પ્રસાદથી
મારો આત્મા જે રીતે આ સંસારસમુદ્રથી પાર થાય, અને આપ ગુરુજનોની
ઉજવલ કીર્તિ જગતમાં વિખ્યાત થાય, તથા મારા હિત માટે વૈયાવૃત્યમાં ઉદ્યત
સકલ સંઘનો પરિશ્રમ સફળ થાય––એ રીતે હું ઉજવળ નિર્દોષ આરાધનાને ગ્રહણ
કરીશ.
––આ પ્રમાણે તે મુનિએ સમાધિમરણ માટે આરાધનામાં પોતાના
પરિણામનો ઉત્સાહ અને પરમ શૂરવીરતા ગુરુ પાસે પ્રગટ કર્યાં.
અહો, ગણધર વગેરે વીરપુરુષોએ જે આરાધનાને આદરી અને વિષય–
કષાયોમાં ડુબેલા કાયર પુરુષો મનથી જેનું ચિંતન કરવા પણ સમર્થ નથી, તે
આરાધનાને હું આપના પ્રસાદથી આરાધીશ. હે ભગવાન! આપના ઉપદેશરૂપી
આવા અમૃતનું આસ્વાદન કરીને કોઈ કાયર પુરુષ પણ ક્ષુધા–તૃષા કે
મરણાદિકના ભયને પામતા નથી,–તો હું કેમ ભય પામુ? નહીં પામું–એ મારો
નિશ્ચય છે. હે દેવ! આપના ચરણના અનુગ્રહરૂપ ગુણને લીધે મારી આરાધનામાં
વિઘ્ન કરવા ઈન્દ્રાદિક દેવો પણ સમર્થ નથી; તોપછી આ ક્ષુધા–તૃષા–પરિશ્રમ–
વાતપિત્તાદિ રોગ–ઈન્દ્રિયવિષયો કે કષાયો મારા ધ્યાનમાં શું બાધા કરશે?–કંઈ
જ નહીં કરી શકે.