પરિષહાદિથી રક્ષા કરવા, બીજા મુનિરાજ–આચાર્ય વીતરાગ
ઉપદેશરૂપી બખ્તર પહેરાવે છે તેનું અદ્ભુત ભાવભીનું વર્ણન
ભગવતી આરાધનાના ‘કવચઅધિકાર’ માં શિવકોટિ–
આચાર્યદેવે કર્યું છે. તે ભાવભીના પ્રસંગનું વર્ણન વાંચતાં જાણે
આરાધક મુનિવરોનો સમૂહ નજર સામે જ બેઠો હોય, ને
મુનિરાજ આરાધનાના ઉપદેશની કોઈ અખંડ ધારા વહેવડાવી
રહ્યા હોય એવી ઉર્મિઓ જાગે છે, ને એ આરાધક
સાધુભગવંતો પ્રત્યે હૃદય નમી પડે છે; આરાધના પ્રત્યે અચિંત્ય
બહુમાન અને મહિમા જાગે છે. પૂ. કાનજીસ્વામી પ્રવચનમાં
અનેકવાર પરમ ભક્તિસહિત આ કવચઅધિકારનો ઉલ્લેખ
કરીને મુનિવરોની શાંતઅનુભૂતિરૂપ અદ્ભુતદશાનું વર્ણન કરે
છે ત્યારે મુમુક્ષુઓનાં તો રામાંચ ઉલ્લસી જાય છે, અને
આરાધના પ્રત્યે તેમજ આરાધક જીવો પ્રત્યે પરમ
ભક્તિસહિત, આત્મામાં પણ આરાધનાની શૂરવીરતા જાગી
ઊઠે છે. એવા કવચઅધિકારમાં ૧૭૪ ગાથાઓ છે, તેના સારનું
સંકલન અહીં આપવામાં આવ્યું છે. મુમુક્ષુ જીવો તેમાંથી
આત્મિક–આરાધનાની ઉત્તમ પ્રેરણા મેળવો, ને
મુનિભગવંતોની પરમ ભક્તિ કરો.