Atmadharma magazine - Ank 340
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 49

background image
: ૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૮
આચાર્યના ઉપદેશ વડે સાવધાન થઈને તે મુનિ વિચારે કે અરે! મહાન
અનર્થ છે કે, ત્રણલોકમાં દુર્લભ એવું સાધુપણું અંગીકાર કરીને પણ હું અત્યારે
અકાળે ભોજન–પાનની ઈચ્છા કરું છું! અત્યારે આ સંન્યાસ સમયે તો મારે
સમસ્ત આહાર–પાણીના ત્યાગનો અવસર છે. સમસ્ત સંઘની સાક્ષીથી મેં ચારે
પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. અનંતાનંત કાળમાં સંલેખનામરણ જીવ કદી
પામ્યો નથી, અત્યારે શ્રીગુરુના પ્રસાદથી તેની પ્રાપ્તિનો અવસર આવ્યો છે;
અહા, સમસ્ત વિષયઅનુરાગ છોડીને પરમ વીતરાગતાનો આ અવસર છે; માટે
અત્યારે મારે પરમસંયમમાં જાગૃતી વડે આત્મકલ્યાણમાં સાવધાન રહેવું.––આ
પ્રમાણે તે સાધુ જાગૃત થઈને આરાધનામાં ઉત્સાહિત થાય છે.
હવે, કોઈ ક્ષપક સાધુ ક્ષુધા–તૃષા–રોગાદિની તીવ્ર વેદનાથી અસાવધાન કે
શિથિલ થઈ જાય, અયોગ્ય વચન બોલે કે રૂદન કરે–તો આચાર્ય સ્નેહભરેલાં
આનંદકારી વચનો વડે તેને સાવધાન કરે; પોતે કંટાળ્‌યા વગર શિથિલતા રહિત
થઈને ક્ષપકની સાવધાની માટે દ્રઢ ઉપાય કરે; તેને કડવાં વચન ન કહે, તેનો
તિરસ્કાર ન કરે, તેને ત્રાસ થાય કે તે નિરુત્સાહ થઈ જાય એવું કાંઈ ન કરે;
પણ તેના પરિષહનું નિવારણ કરવા માટે, તે જાગૃત થઈને આરાધનામાં
ઉત્સાહિત થાય એવો ઉપાય આદરપૂર્વક કરે.
જેમ રણક્ષેત્રમાં અભેદ્ય બખ્તર પહેરીને પ્રવેશ કરનાર સુભટ વેરીઓના
બાણ વડે હણાતો નથી, તેમ આરાધનામાં સુભટ એવા જે સાધુ સંન્યાસના
અવસરમાં કર્મોદય સામેના મહાસંગ્રામમાં ગુરુના ઉપદેશરૂપી અભેદ્ય બખ્તરને
ધારણ કરે છે તે રોગાદિક તીવ્ર પીડારૂપ શસ્ત્રવડે પણ હણાતા નથી.
ક્ષપકને આરાધનામાં ઉત્સાહિત કરવા માટે, મહા બુદ્ધિમાનગુરુ
ઉપદેશવચન કહે;–કેવાં વચન કહે? સ્નેહસહિત, કર્ણપ્રિય અને આનંદકારી વચન
કહે–જે સાંભળતાં જ સર્વદુઃખ ભૂલાઈ જાય ને હૃદયમાં ઊતરી જાય. વળી
ઊતાવળથી ન કહે પણ શાંતિ અને ધૈર્યથી કહે: સુંદર ચારિત્રધારક હે મુનિ!
ચારિત્રમાં વિઘ્ન કરનાર એવા આ અલ્પ કે મહાન વ્યાધિની પ્રબળ વેદનાને તમે
દીનતારહિત થઈને, અને મોહરહિત થઈને, ધૈર્યબળપૂર્વક જીતો. સમસ્ત ઉપસર્ગ–
પરિષહને મન–વચન–કાયાથી જીતીને મરણસમયે ચારે પ્રકારની
સમ્યક્આરાધનાના આરાધક રહો.