Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 43

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૭ :
, સ્ત્ત્ સ્!
[સોનગઢ માહ વદ ૧૨: નિયમસાર ગાથા પ૦]
નિયમસારમાં સ્વતત્ત્વનું અપૂર્વ સ્વરૂપ બતાવીને તેનું ગ્રહણ કરાવ્યું છે. વિભાવ
વગરનો આત્માનો સ્વભાવ, કે જે ગ્રહવા જેવો છે, જે અનુભવવા જેવો છે, જે શ્રદ્ધા–
જ્ઞાનમાં લેવા જેવો છે, અને જે દરેક જીવમાં શુદ્ધપણે બિરાજી રહ્યો છે, તેની આ વાત છે.
ભાઈ, તેં સદા તારા આત્માને વિભાવરૂપે જ અનુભવ્યો છે. વિભાવથી જુદું તારું
અસ્તિત્વ તને ભાસ્યું નથી. સુખસ્વરૂપ તો તારું તત્ત્વ પોતે છે, તેના આશ્રયે જ તને
સુખ થશે. તારા સ્વઘરની વસ્તુ સંતો તને બતાવે છે. તું કાંઈ ક્ષણિક નથી; પર્યાયમાં
ઉદયાદિ ભાવોના ભેદ પડે છે તેને સ્વદ્રવ્ય કહેતા નથી, તે ક્ષણિક ભાવ જેટલો તું નથી.
તારા પરમસ્વભાવનો આધાર તારું દ્રવ્ય–એવો આધાર–આધેયનો ભેદ પણ ખરેખર
ક્યાં છે? આધાર–આધેયના વિકલ્પો સ્વતત્ત્વના અનુભવમાં નથી; સ્વતત્ત્વ તો
આધાર–આધેયના વિકલ્પોથી પાર છે સ્વભાવ આધેય ને દ્રવ્ય આધાર, એવોય ભેદ–
વિકલ્પ જ્યાં નથી ત્યાં રાગનો આધાર આત્મા–એ વાત તો ક્યાં રહી? રાગભાવ તો
ચૈતન્યભાવથી તદ્ન જુદા છે. અહા, સ્વતત્ત્વનો કોઈ પરમ અદ્ભુત મહિમા છે; તેનું
શ્રવણ પણ મહાભાગ્યે મળે છે. સ્વતત્ત્વના અચિંત્યમહિમાની હવા પણ જીવે પૂર્વે કદી
લીધી ન હતી, હવે સ્વતત્ત્વનું ભાન થતાં કોઈ પરભાવો પોતાપણે ભાસતા નથી. અરે,
આત્મા તો કોને કહીએ? આ મારો ગુણ ને હું તેનો આધાર–એટલો વિકલ્પ પણ જેમાં
પાલવતો નથી, વિકલ્પ જેમાં પ્રવેશી શકતો નથી, આવા આત્માને લક્ષમાં લેતાં
સંસારના પરભાવનો રસ ઊડી જાય; ને આત્મા પરભાવથી છૂટીને કેવળજ્ઞાનાદિ
શુદ્ધભાવરૂપે પરિણમી જાય.
જેઓ આત્માના પરમસુખના અભિલાષી હોય, જેઓ મોક્ષાર્થી હોય, તેઓ પોતાને
એક શુદ્ધ પરમ ચૈતન્યભાવરૂપે જ સદાય અનુભવો. આવું તત્ત્વ એ જ મારું સ્વતત્ત્વ છે,
એ જ હું છું; આવા અનુભવ સિવાયનું બીજું બધુંય મારાથી પર છે, તે હું નથી. ચાર
ભાવોના જેટલા ભેદ છે તે બધાય ભેદના વિકલ્પોથી પાર મારું પરમ તત્ત્વ શુદ્ધ
ચૈતન્યમાત્ર છે. નિર્મળબુદ્ધિવાળા, ઉજ્વળ ચિત્તવાળા હે મુમુક્ષુ જીવો! તમે આવો અનુભવ
કરો. સિદ્ધાંતમાં આવો આત્મા કહ્યો છે તેનું તમે સેવન કરો; આવા આત્માના સેવનથી
જરૂર તમને મોક્ષસુખનો અનુભવ થશે, સમ્યક્ત્વાદિ અતિઅપૂર્વ સિદ્ધિને તમે પામશો.