Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 43

background image
: ફાગણ : ૨૪૯૮ આત્મધર્મ : ૧૩ :
‘હું પોતે ચૈતન્યરાજા છું’
રાગથી ભિન્ન ચૈતન્યની અનુભૂતિ છે તે જ હું છું,–મારું
ચૈતન્યસ્વરૂપ જ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે.–એમ ચૈતન્યરાજાપણે
પોતે પોતાને જાણી–શ્રદ્ધી–અનુભવીને મુમુક્ષુ જીવ પોતે પોતાની
અનુભૂતિ વડે મોક્ષને સાધે છે. ભાઈ, આત્માની સેવાનો ને મોક્ષને
સાધવાનો આ ઉત્તમ અવસર છે.
(અમરેલીશહેરમાં ફાગણ સુદ એકમથી પાંચમ સુધી જિનેન્દ્ર–પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રસંગે સમયસાર ગા. ૧૭–૧૮ ઉપરનાં પ્રવચનોમાંથી)

આત્મા દેહથી ભિન્ન એક મહાન ચૈતન્યતત્ત્વ છે. ભાઈ! તારે તારું કલ્યાણ કરવું
હોય તો તારો આત્મસ્વભાવ કેવો છે, કેવડો છે, તે ઓળખવું પડશે, આત્માનું સ્વરૂપ
અજ્ઞાનથી કે રાગથી માપી શકાય તેવું નથી. અંદર જ્ઞાનવડે આત્માને ઓળખ, તો જ
તારા જન્મ–મરણનો અંત આવશે. જેમ રાજાને ઓળખીને તેની સેવા કરતાં ધનના
અર્થીને ધનનો લાભ થાય છે તેમ જગતમાં સૌથી શ્રેષ્ઠ એવા આ ચૈતન્યરાજાને
ઓળખીને તેની સેવા એટલે કે અનુભવ કરતાં મોક્ષાર્થીને મોક્ષનો લાભ થાય છે.
અરે, ‘આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, નિર્વિકલ્પ છે, ઉદાસીન છે’ એવી
અધ્યાત્મવિદ્યાના સંસ્કાર તો અગાઉ બાળકને પારણામાં હીંચોળતા–હીંચોળતાં માતાઓ
હાલરડામાં સંભળાવતી હતી. બાળ–ગોપાળ બધાય જીવો આવા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે,
તેના સંસ્કાર નાંખીને તેની ઓળખાણ કરવા જેવું છે. ભાઈ, તું શુભાશુભરાગનું સેવન
અનાદિથી કરી રહ્યો છે, પણ તેમાંથી જરાય સુખ તને ન મળ્‌યું. સુખનો ભંડાર તો આ
ચૈતન્યરાજા પાસે છે, તેને ઓળખીને તેની સેવા કર, તેની શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કર તો
તને સુખની પ્રાપ્તિ થશે.
આત્માને કેવો અનુભવવો! તે વાત આ સમયસારમાં સમજાવી છે; તેમાં આ
૧૭–૧૮ મી ગાથા વંચાય છે. વાત તો આત્માના અનુભવની ઘણી ઊંચી છે, પણ જેને
સુખી થવું હોય તેણે આ વાત સમજવા જેવી છે. આ સમજ્યે જ સુખની પ્રાપ્તિ થાય તેમ
છે; બાકી તો બધુંય મૃગજળમાં ફાંફાં મારવા જેવું છે.