Atmadharma magazine - Ank 341
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 43

background image
: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૮
સમયસારમાં આત્માના સમસ્ત નિજવૈભવથી આચાર્યદેવ શુદ્ધ આત્મા દેખાડે છે.
શુદ્ધાત્માની જેને ગરજ થઈ છે–ધગશ થઈ છે એવા શિષ્યને સમજાવે છે.
કેવો છે આત્માનો શુદ્ધસ્વભાવ? તે ચૈતન્યભાવપણે સદા પ્રકાશમાન
જ્ઞાયકભાવ, શુભ–અશુભ કષાયચક્રરૂપે પરિણમતો નથી. ચૈતન્યભાવ છે તે કદી રાગરૂપ
થયો નથી; આવા આત્માને અનુભવતાં શુદ્ધ આત્માનો સ્વાદ આવે છે. આવા આત્માને
જાણ્યા વગર આ સંસારના આંટા મટે નહિ. બાપુ! આ સંસારના દુઃખમાં અવતાર લેવો
તે તને કલંક લાગવું જોઈએ. આનંદસ્વરૂપ આત્માને આ સંસારદુઃખ શોભતા નથી.
એનાથી છૂટવા ચાહતો હો તો તારા આવા શુદ્ધસ્વરૂપને તું જાણ.
તારા જ્ઞાનને અંતરમાં વાળતાં તારો આખો આત્મા તને પ્રત્યક્ષ થશે, મહા
આનંદસહિત તારો આત્મા તને પ્રાપ્ત થશે એટલે કે અનુભવમાં આવશે. આવું
અંતર્મુખજ્ઞાન સીધું આત્માને સ્પર્શે છે, તે જ્ઞાનમાં ઈન્દ્રિયની–મનની–રાગની અપેક્ષા
રહેતી નથી; બધાથી છૂટેલું જ્ઞાન, આત્માના સ્વભાવમાં તન્મય વર્તે છે. આવા જ્ઞાનમાં
અતીન્દ્રિયસુખનો સ્વાદ આવે છે. હું તો દેહ વગરનો, રાગ વગરનો, શુદ્ધ–બુદ્ધ–ચૈતન્ય–
ઘન છું, મારા સ્વરૂપને જાણવા માટે હું જ પોતે સ્વયંજ્યોતિ–પ્રકાશમાન છું, કોઈ
બીજાની તેમાં મદદ નથી. સ્વયં પ્રકાશમાન પણે મારું સ્વરૂપ મને પ્રત્યક્ષ છે.–આમ જે
જાણે છે–અનુભવે છે તે જીવ ધર્મી છે.
ચૈતન્યતત્ત્વ જેવડું મહાન છે તેવડું જેના લક્ષમાં આવે તેને જ વિકલ્પ તૂટે, એટલે
કે વિકલ્પ અને જ્ઞાનની ભિન્નતા થઈને તેને અતીન્દ્રિય જ્ઞાન પ્રકાશમાં કિરણો ફૂટે ને
આનંદનું પ્રભાત ખીલે, વસ્તુ જેવી અને જેવડી છે તેનો અચિંત્યમહિમા લક્ષગત થયા
વગર સાચું ધ્યાન થાય નહિ ને વિકલ્પ છૂટે નહીં. જ્ઞાનતત્ત્વ પોતે વિકલ્પ વગરનું છે, એ
તત્ત્વનો અનુભવ કરતાં જ વિકલ્પ વગરના ચૈતન્યનું વેદન થાય છે, તેની શ્રદ્ધા થાય છે,
તેનું જ્ઞાન થાય છે, તેનો આનંદ થાય છે, એમ અનંતગુણોનું નિર્દોષ કાર્ય આત્મામાં એક
સાથે પ્રગટે છે, તેનું નામ ધર્મદશા છે.
– : ઈતિ શ્રી લાઠીશહેર – પ્રવચન: –
(લાઠીશહેરમાં ત્રણદિવસ રહ્યા; રાત્રિચર્ચામાં ગુરુદેવ ધર્માત્માના મહિમાની ને
વિદેહધામની અવનવી ચર્ચા સાંભળાવીને મુમુક્ષુઓને પ્રસન્ન કરતા હતા. ફાગણ સુદ
એકમની સવારમાં લાઠીથી પ્રસ્થાન કરીને અમરેલી શહેર પધાર્યા.)