અરે, અત્યારે તો અનંત ભવનાં દુઃખોથી છૂટીને મોક્ષસુખને સાધવાનો મારે અવસર
આવ્યો છે. હવે આ સંસારદુઃખોથી બસ થાઓ, બસ થાઓ! આત્માના સ્વભાવનું કોઈ
પરમ સુખ, તેનો સ્વાદ લેવાનો આ અવસર છે. અહા, મારું ચૈતન્યતત્ત્વ જે મારા
અંતરમાં સ્પષ્ટપણે સદા પ્રકાશમાન છે, એવા નિર્દોષ ચૈતન્યતત્ત્વ ઉપર આ પરભાવરૂપી
કષાયચક્રના લેપ શોભતા નથી. શાસ્ત્રમાં (નયચક્રમાં) કહ્યું છે કે વ્યવહાર તે તો
નિશ્ચય ઉપરનો લેપ છે. જેમ લેપથી મૂળવસ્તુ ઢંકાઈ જાય છે તેમ આત્માનું જે નિશ્ચય
શુદ્ધ સ્વરૂપ છે તે, પરભાવરૂપી વ્યવહારના લેપવડે ઢંકાઈ જાય છે, અજ્ઞાનીને રાગાદિ
વ્યવહારભાવોવાળો જ આત્મા દેખાય છે, શુદ્ધઆત્મા તેને દેખાતો નથી, અનુભવાતો
નથી; પોતાને તેનો અનુભવ નથી ને અનુભવી–જ્ઞાનીઓ પાસેથી તે સાંભળવાનો
અવસર આવ્યો ત્યારે તેની પ્રીતિ પણ કરતો નથી.
નિરાકુળસ્વભાવને કષાયો સાથે એકતા નથી, ભિન્નતા જ છે. આવું ભિન્નપણું જ્ઞાનીઓ
બતાવે છે. તેને સાંભળી, તેનો પ્રેમ કરી, વારંવાર તેનો પરિચય કરીને, તે અનુભવમાં
લેવા જેવું છે.–આ જ કલ્યાણની રીત છે; ભાઈ! આવા તત્ત્વનો પ્રેમ કર તો તારી
બગડેલી બાજી સુધરી જશે, તારો ભવ સુધરી જશે, આત્માનું પરમસુખ તને તારામાં
દેખાશે. આવું ભેદજ્ઞાન તારાથી થઈ શકે તેવું છે, તે જ જ્ઞાનીઓ તને સમજાવે છે.
આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ દેખાય એવો છે. અંતરની પ્રીતિથી અભ્યાસ કરતાં, દુર્લભ
તત્ત્વ પણ સુલભ થઈ જાય છે, બાહ્ય વિષયોની મીઠાશ હતી ત્યારે રાગથી ભિન્ન
ચૈતન્યતત્ત્વ દુર્લભ હતું; હવે રાગથી ભિન્ન ચૈતન્યના અભ્યાસરૂપ ભેદજ્ઞાન વડે
આનંદમય આત્મતત્ત્વ સુલભ થયું છે, જ્ઞાનીને તે સ્વાનુભવગમ્ય થયું છે માટે તે સુલભ
છે. જ્ઞાની પાસેથી સાંભળીને અંદર પ્રયોગ કરતાં ‘પ્રાપ્તની પ્રાપ્ત’ થાય છે,–સ્વભાવમાં
હતું તે પર્યાયમાં પ્રગટ્યું છે. પૂર્વે અજ્ઞાનદશામાં દુર્લભ હતું––પણ હવે ‘સમયસાર’ ના
શ્રવણથી અમારું એકત્વ અમને સુલભ થઈ ગયું છે.–આત્મજ્ઞ સંતોનો એ પ્રતાપ છે.
પોતાના એકત્વસ્વભાવનું આવું ભાન કર્યું તે જ આત્મજ્ઞ સંતોની ખરી ઉપાસના છે.