બહારની બીજી વસ્તુઓ દેખાય છે, ને તારો ચિદાનંદ આત્મા જ તને નથી દેખાતો?
બધાને દેખનારો તારો આત્મા જ તને નથી દેખાતો? અરે, આશ્ચર્યની વાત છે કે પોતે જ
પોતાને નથી દેખાતો! ભાઈ, અજ્ઞાનથી તું બહુ દુઃખી થયો, છતાં તને તારી દયા નથી
આવતી? તને તારી ખરી દયા આવતી હોય, ને તારા આત્માને દુઃખથી છોડાવવો હોય
તો પહેલાંં તારા આત્માના અનુભવનું કામ કર. બીજા બધાનો પ્રેમ છોડીને,
ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે કેવો છે તેને ઓળખીને તારા આત્માને આ ભવના ભયંકર
દુઃખોથી બચાવ! ભાઈ, ભવદુઃખથી આત્માને છોડાવવાનો આ અવસર છે. આત્માનું
સાચું સ્વરૂપ લક્ષમાં લેતાં તારા સ્વઘરના ચૈતન્યખજાના ખૂલી જશે; અહો! આવી મારી
ચીજ! આવો આનંદધામ હું પોતે! મારો આત્મા કોઈ અદ્ભુત છે!–એ જ મારે ઠરવાનું
સ્થાન છે.–એમ તને ભાન અને પ્રતીત થતાં તેમાં જ તું નિઃશંકપણે ઠરીશ. આ રીતે તને
તારા સાધ્યરૂપ શુદ્ધ આત્માની સિદ્ધિ થશે.––આ મુક્તિનો ઉપાય છે. જે ભગવંતોની
અહીં સ્થાપના થાય છે તે ભગવંતોએ આવા (ઉપાયથી આત્માને સેવીને મુક્તિ પ્રાપ્ત
કરી છે, ને જગતના આત્માર્થી જીવોને આવો જ માર્ગ ઉપદેશ્યો છે. હે આત્માના અર્થી
જીવો! તમે આવા માર્ગને ઓળખીને તેનું સેવન કરો...એટલે રાગાદિથી પાર
ચૈતન્યતત્ત્વ જેવું છે તેવું ઓળખીને, શ્રદ્ધામાં લઈને તેનો અનુભવ કરો...જેથી જન્મ–
મરણથી છૂટીને તમે આત્માના પરમ આનંદને પામશો.
હિતનો ઉદ્યમ કર...કેમકે ફરી ફરી આવો અવસર મળવો
દુર્લભ છે. માટે દુનિયાની ઝંઝટમાંથી નીકળી
જા...દુનિયાનું જેમ થવું હોય તેમ થાય...તેની ઉપેક્ષા
કરીને તું તારું હિત કરી લે. તારા હિતની રીત સન્તો તને
બતાવે છે.