પ્રશ્ન:–દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદના વિચારમાં પણ મિથ્યાત્વ છે, તે કઈ રીતે?
ઉત્તર:–ભેદના વિચાર તે કાંઈ મિથ્યાત્વ નથી; એવા ભેદવિચાર તો સમ્યગ્દ્રષ્ટિનેય
હોય; પણ તે ભેદવિચારમાં જે રાગરૂપ વિકલ્પ છે તે વિકલ્પને લાભનું કારણ
માનીને તેમાં જે જીવ એકત્વબુદ્ધિ કરીને અટકે છે તેને મિથ્યાત્વ છે–એમ જાણવું.
એકત્વબુદ્ધિ વગર ભેદવિકલ્પ તે મિથ્યાત્વ નથી, તે અસ્થિરતાનો રાગ છે.
પ્રશ્ન:–ગુણભેદના વિચારથી પણ મિથ્યાત્વ ન ટળે, તો મિથ્યાત્વને ટાળવું કેમ?
ઉત્તર:–જે શુદ્ધવસ્તુમાં રાગ કે મિથ્યાત્વ છે જ નહિ–એ શુદ્ધવસ્તુમાં પરિણામ
તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે. બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ.
ગુણભેદનો વિકલ્પ પણ શુદ્ધવસ્તુમાં ક્યાં છે!–નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીત
ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધવસ્તુમાં વિકલ્પ નથી, ને
વિકલ્પમાં વસ્તુ નથી. બંનેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પથી ખસીને
(છૂટી પડીને) સ્વભાવમાં આવી ત્યાં સમ્યક્ત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું.––આ
મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે, વિકલ્પ કરતાં ચિદાનંદસ્વભાવનો અનંતો
મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ.–એમ કરવાથી પરિણામ
તેમાં તન્મય થાય છે.
પ્રશ્ન:–એક સમયની પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે, –વ્યય એટલે શું?
ઉત્તર:–પર્યાયનો સ્વભાવ એવો છે કે તેનું અસ્તિત્વ એક સમય જ રહે, પછીના
સમયે તે ન રહે; એનું નામ ‘વ્યય’ છે. દ્રવ્ય ત્રિકાળ છે, પર્યાય એકસમયપૂરતી
છે; એટલે દ્રવ્યથી જોતાં વસ્તુ નિત્ય દેખાય છે ને પર્યાયથી જોતાં વસ્તુ અનિત્ય
દેખાય છે;–આમ વસ્તુ અનેકાન્તસ્વરૂપ છે.
પ્રશ્ન:–નવતત્ત્વને જાણવા તે સમ્યગ્દર્શન છે, કે શુદ્ધજીવને જાણવો તે સમ્યગ્દર્શન છે?