અમરેલીના અનેક મુમુક્ષુઓની ભાવનાથી ટાવર સામે ચોકમાં શ્રી
શાંતિનાથ ભગવાન વગેરે જિનભગવંતોની પ્રતિષ્ઠાનો મંગલઉત્સવ, પૂ. ગુરુદેવની
મંગલ છાયામાં આનંદ–ઉલ્લાસપૂર્વક ઉજવાયો. મહા વદ ૧૪ના રોજ શ્રી શાંતિનાથ,
પાર્શ્વનાથ અને નેમનાથ ભગવંતો અમરેલીમાં પધારતાં ભક્તિભીનું સ્વાગત થયું.
પૂજન બાદ મંગલ–પ્રવચનમાં ગુરુદેવે આનંદસ્વરૂપ આત્માનું સ્મરણ કરતાં કહ્યું કે–
ઉત્સવમાં ધર્મીજીવ વહાલામાં વહાલા એવા આનંદસ્વરૂપ આત્માને યાદ કરે છે.
આત્માને ઓળખીને વારંવાર તેનું સ્મરણ કરવું તે મંગળ છે. ધર્મીજીવ કહે છે કે હે
પરમાત્મા! મારા જ્ઞાનના આંગણે આપ પધારો, આપની પધરામણીથી અમારા આંગણા
ઉજળા થયા. આ રીતે ભગવાન જેવા પોતાના આનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં
બિરાજમાન કરવો તે અપૂર્વ મંગળ છે.–આવા અપૂર્વ મંગળપૂર્વક ભગવાનની પ્રતિષ્ઠાનો
ઉત્સવ શરૂ થાય છે.
પ્રતિષ્ઠા વિધિનો મંગલ પ્રારંભ થયો. સવારમાં શશીભાઈ ખારાએ પ્રતિષ્ઠા મંડમાં શ્રી
સીમંધરભગવાનને બિરાજમાન કર્યાં; ત્યારબાદ મુકુન્દભાઈ ખારાના સુહસ્તે જૈનધર્મનું
ઝંડારોપણ થયું, અને શ્રી સવિતાબેન રસિકલાલ તરફથી પંચપરમેષ્ઠી ભગવાનનું
પૂજનવિધાન થયું. બપોરે પૂજનવિધાનની સમાપ્તિપૂર્વક શ્રી જિનેન્દ્રઅભિષેક થયો.