વૈભવને તે કદી જાણ્યો નથી, તારા સ્વઘરમાં તે વાસ કર્યો
નથી; સ્વઘરને ભૂલી, રાગને પોતાનું ઘર માનીને તેમાં તું
વસ્યો છો; પણ શ્રીગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે
જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની સેવા કર.
તેનાથી તારું કલ્યાણ થશે. અહા, સ્વઘરમાં આવવાનો ઉમંગ
કોને ન આવે?
મહાન એવું તારું ચૈતન્યતત્ત્વ છે–તે જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે,–તેને લક્ષમાં લઈને
તેના જ્ઞાન–શ્રદ્ધા–એકાગ્રતાવડે તેની સેવા કર. એટલે કે તારો મહાન આત્મા ચૈતન્યરાજા
છે તેની તું સેવા કર. તેની સેવા કેમ થાય? કે રાગથી ભિન્ન એવી જે ચૈતન્યઅનુભૂતિ છે
તે અનુભૂતિસ્વરૂપ જ હું છું–એમ જાણવું, નિઃશંક શ્રદ્ધવું તથા તેમાં ઠરવું,–તે આત્માની
સેવા છે; ને તેના સેવનથી જ મોક્ષ થાય છે. બીજી કોઈ રીતે મોક્ષ થતો નથી.