વગરનું જે મનુષ્યપણું તેમાં ને પશુમાં કાંઈ ફેર નથી. પશુઓ પણ પોતાનું જીવન
વિષય–કષાયોમાં વીતાવે છે, ને મનુષ્ય થઈને પણ વિષય–કષાયમાં જ જીવન વીતાવે
તો તેમાં ફેર શું રહ્યો? અરે, પુણ્ય–પાપથી પાર મારું અંદરનું તત્ત્વ શું છે કે જે મને શાંતિ
ને આનંદ આપે! એમ વિચાર કરવો જોઈએ. પુણ્ય–પાપ અનંતવાર કર્યાં છતાં તેમાં
જીવને શાંતિનો અંશ પણ ન મળ્યો. તે પુણ્ય–પાપના કર્તૃત્વ વગરનું મારું ચૈતન્યતત્ત્વ
છે–કે જેનો સ્વાદ અત્યંત મધુર ચૈતન્યરસથી ભરેલો છે. પુણ્ય પાપના આકુળ સ્વાદથી
મારા ચૈતન્યનો સ્વાદ તદ્ન જુદી જાતનો છે. પુણ્ય–પાપના ઝાંઝવાં અનંત કાળ દોડયા
પણ તેમાંથી શાંતિ ન મળી. અંદર શાંતરસથી ભરેલું ચૈતન્ય સરોવર–તેમાં ઉપયોગને
જોડતાં અણમૂલી શાંતિ ને ઈંદ્રિયાતીત આનંદ મળશે.
આત્મા રાગ–દ્ધેષ વગરનો પરમ શાંતિસ્વરૂપ જ છે. અમૂલ્ય સુંગધી કસ્તુરી પોતાની
ડૂંટીમાં હોવા છતા, જરાક અવાજથી ભડકતા હરણિયાંને પોતાની કસ્તુરીનો વિશ્વાસ
આવતો નથી ને બહાર શોધીને હેરાન થાય છે. તેમ રાગ વગરની અતીન્દ્રિય શાંતિનો
સમુદ્ર આત્મા પોતે છે, પણ જરાક પુણ્યનો શુભરાગ કરે ત્યાં મેં ઘણું કર્યું એમ માનનારા
અજ્ઞાની જીવને, રાગથી ને પુણ્યથી પાર પોતાના ગંભીર ચૈતન્ય સ્વભાવના
અનંતસુખનો વિશ્વાસ નથી આવતો, ને બહારમાં–રાગમાં સુખ માનીને તેની પાછળ
દોડી–દોડીને દુઃખી થાય છે. અનાદિકાળથી રાગ પાછળ ને પુણ્ય પાછળ દોડયો પણ
શાંતિનો છાંટોય ન મળ્યો. ક્્યાંથી મળે? મૃગજલ જેવા વિષયોમાં ને રાગાદિભાવોમાં
શાંતિના જળ ક્્યાંથી મળે? અંદર જ્યાં શાંતિનું સરોવર ભર્યું છે તેમાં નજર કરે તો
અપૂર્વ શાંતિનો સ્વાદ આવે, ને પુણ્ય–પાપનું કર્તૃત્વ છૂટી જાય. તેને ભાન થાય કે અરે!
મારા ચૈતન્યનો સ્વાદ તો રાગથી તદ્ન જુદી જાતનો છે. અમૃત અને ઝેર જેવો તફાવત
જ્ઞાન રાગના સ્વાદ વચ્ચે છે. ચૈતન્યના સ્વાદમાં રાગનો આકુળ સ્વાદ કેવો? ને રાગના
સ્વાદમાં ચૈતન્યની શાંતિનો સ્વાદ કેવો? બંનેના સ્વાદ તદ્ન જુદા છે. આવું ભેદજ્ઞાન
કરનાર જીવ ચૈતન્યના જ સ્વાદને વેદતો થકો, રાગને પોતાથી ભિન્ન જાણીને તેનું
કર્તૃત્વ સર્વથા છોડે છે, ને અંદર તેને ચૈતન્યના અપૂર્વ આનંદરસની ધારા વહે છે.
‘અહા! ગુરુએ મને આનંદરસના પ્યાલા પાયા”