જ સુકુતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત અને મનુષ્ય છે. ભલે શાસ્ત્રો ભણ્યો ન
હોય, વાંચતાં કે બોલતાં ન આવડતું હોય છતાં તે મોટો પંડિત છે; બારઅંગનો સાર તેણે
જાણી લીધો છે; કરવા યોગ્ય ઉત્તમકાર્ય તેણે કર્યું છે તેથી તે સુકુતાર્થ છે; યુદ્ધમાં હજારો
યોદ્ધાઓને જીતનારો લોકમાં શૂરવીર કહેવાય છે, પણ હજારો યોદ્ધાઓને જીતવા છતાં
અંતરમાં મિથ્યાત્વને જે જીતી શક્્યો નથી તે ખરેખર શૂરવીર નથી. જેણે મિથ્યાત્વને
જીતી લીધું તે સમકિતી જ ખરા શૂરવીર છે. સમ્યગ્દર્શન વગરના મનુષ્યોને પશુ સમાન
કહ્યા છે, અને સમ્યગ્દર્શન સહિતના પશુઓને દેવસમાન કહ્યા છે. લાખો કરોડો રૂપીઆ
ખરચવાથી કે અનેક પ્રકારના પુણ્યના શુભભાવ કરવાથી પણ જે સમ્યગ્દર્શન પ્રાપ્ત ન
થાય તેવું દુર્લભ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી તેને અચલપણે સાચવી રાખવું એ જ કાર્ય કરવા
જેવું છે. આવા સમ્યગ્દ્રષ્ટિને મરણ વગેરે સાત પ્રકારનાં ભય હોતાં નથી. આત્માની
આરાધનામાં તે નિઃશંક છે, એટલે પરલોકમાં મારી ગતિ કેવી થશે?–મારે નરકનાં દુઃખ
ભોગવવાં પડશે, અગર તો બીજાં શું–શું દુઃખ ભોગવવાં પડશે?–તેવો ભય તેને હોતો
નથી. જ્યાં જઈશ ત્યાં સમ્યક્ત્વના પ્રતાપે મારા ચૈતન્યના સુખને જ ભોગવીશ,
એનાથી જુદો બીજો કોઈ ભોગવટો મારા જ્ઞાનમાં નથી.–એમ તેને વિશ્વાસ છે. તે બધી
કર્મકૃત ઉપાધિને પોતાથી જુદી અનુભવે છે, તેથી કર્મકૃત સંસારી સુખ–દુઃખને તે પોતાનાં
ગણતો નથી. વળી જન્મ–મરણનો ભય તેને નથી કારણકે આત્મા તો અજર અમર છે,
તેને જન્મ કે મરણ નથી; આવા જન્મ–મરણ વગરના અવિનાશી આતમરામને
અનુભવ્યો પછી જન્મ–મરણ કેવા? ને જન્મ–મરણનો ભય કેવો? વળી મારી
ચૈતન્યલક્ષ્મી મારા આત્મામાં એવી અભેદ છે કે કોઈ તેને લૂંટી શકે નહિ; આત્મા સ્વયં
પોતે પોતામાં ગુપ્ત છે–પોતે સ્વયં રક્ષિત છે, કોઈ તેનો નાશ કરી શકે નહિ, તેને હરી
શકે નહીં.–આમ સમ્યગ્દ્રષ્ટિ નિજસ્વરૂપમાં સર્વપ્રકારે નિઃશંક છે. તેમજ ચૈતન્યની અપાર
મહત્તા પાસે બીજા કોઈની મહત્તા તેને ભાસતી નથી તેથી તેને શરીરાદિ સંબંધી મદ
હોતાં નથી. આ રીતે આઠગુણસહિત, ને આઠમદ વગેરે સર્વ દોષરહિત શુદ્ધ સમ્યક્ત્વવડે
પોતાના આત્માની સાધનામાં આગળ વધતાં વધતાં તે ધર્માત્મા પોતાના ધારેલા
અનંતસુખમય મોક્ષધામને અલ્પકાળમાં પામે છે. તેને અમારા નમસ્કાર હો.