Atmadharma magazine - Ank 349
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 37

background image
કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’
જ્ઞાની તો જ્ઞાનસ્વરૂપ થયો, તે જ્ઞાનાત્મા જરાય અજ્ઞાનસ્વરૂપ
પરિણમતો નથી એટલે રાગરૂપે તે જરાય થતો નથી. સર્વભાવોમાં
જ્ઞાનત્વ જ પ્રકાશે છે. આવા જ્ઞાનમાં રાગ કે કર્મબંધન છે જ નહીં.
અહા, આત્માના ચૈતન્યભાવની શી વાત? એ ચૈતન્યની
ઝલકનાં તેજ બહારની દ્રષ્ટિથી પરખાય નહીં. જેમ હીરા–મોતીનાં પાણી
પટેલીયાની પછેડીથી ન પરખાય, તેમ ચૈતન્યહીરાની અચિંત્ય ચમક,
તે રાગવડે ન પરખાય; રાગ તો પર તરફનો ભાવ છે તેના વડે
સ્વભાવ કેમ પરખાય? રાગથી જુદા પડેલા ને સ્વ તરફ વળેલા ભાવ
વડે જ આત્મસ્વભાવ પરખાય છે. અનંતગુણનાં પાસાથી ચૈતન્યહીરો
ચળકી રહ્યો છે. – એમાં જેની પર્યાય વળી તેને આત્મામાં સદાય
દીવાળી જ છે.
બેસતાવર્ષે મંગલરૂપે જ્ઞાનને પ્રસિદ્ધ કરતાં ગુરુદેવે કહ્યું કે
જગતમાં જે જે જ્ઞેયો જણાય છે તેઓ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરી રહ્યા છે.
કેમકે જ્ઞાનમાં જ તે બધા જણાય છે. જ્ઞાનના અસ્તિત્વ વગર કંઈ પણ
જણાય નહિ. જ્ઞેયો કાંઈ જ્ઞાનસ્વરૂપ નથી, પણ જ્ઞેયો જણાવાપણું
જ્ઞાનના જ અસ્તિત્વમાં છે. આમ જ્ઞાનપણે પોતાની અનુભૂતિ કરતાં
આત્મા અનુભવાય છે. જ્ઞાનની અનુભૂતિ આબાલગોપાલ સૌને થાય
છે, પણ તેમાં ‘આ જ્ઞાનની અનુભૂતિ છે તે હું છું’ એમ જ્ઞાનની પ્રતીત
કરતો નથી. જે જે પદાર્થો જણાય છે તેનું જ્ઞાન તે હું છું– એમ જ્ઞાનપણે
પોતે પોતાને જાણવો – અનુભવવો તે અપૂર્વ સુપ્રભાત મંગલ છે.
ભાઈ, જ્ઞાનનું અસ્તિત્વ છે તે તું જ છો. તારા જ્ઞાનરૂપ
અસ્તિત્વ વગર જ્ઞેયો જણાય શેમાં? જ્ઞેયો તો તારામાં નાસ્તિરૂપ છે,
તારું અસ્તિત્વ તો જ્ઞાનરૂપ છે. – આવા જ્ઞાનસ્વરૂપ આત્માની
અનુભૂતિવડે આત્મામાં આનંદમય નવું વર્ષ બેસાડ.
નિયમસાર ગાથા. ૧૧૯ ના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે અહો,
આત્મા પરમસ્વભાવથી પરિપૂર્ણ છે, તેની સન્મુખ પરિણતિરૂપ જે
ભાવના છે તેમાં સામાયિક – પ્રતિક્રમણ – ક્ષમા – તપ વગેરે બધા
ધર્મો સમાઈ જાય છે; એટલે પરમ સ્વભાવની અભેદ ભાવનામાં બધા
ધર્મો સમાઈ જાય છે, માટે આત્માના તે પરમસ્વભાવને અવલંબનારા
ભાવરૂપ ધ્યાન તે સર્વસ્વ છે. આખું જૈનશાસન તેમાં સમાઈ જાય છે.