જ અનંતગુણના શાંત – અનાકુળ સ્વાદરૂપે પરિણમે છે; તેમાં વિકલ્પનો સ્વાદ નથી,
એકલા ચૈતન્યરસનો સ્વાદ છે.
વિષયોનો રસ છૂટીને તેને તો માત્ર આત્માની ધૂન લાગે છે. કષાયના પ્રસંગો તેને
ગમતા નથી; દુનિયાની પંચાત તે પોતાને માથે રાખતો નથી. પોતાના મહાન
આત્મતત્ત્વને લક્ષમાં લેવા સિવાય બીજા કોઈ કાર્યોમાં આત્માની શક્તિ ખરચવાનું
તેને પાલવતું નથી, એટલે સર્વ શક્તિથી પોતાના પરિણામને તે આત્મા તરફ જ
વાળતો જાય છે. અરે, અનંતકાળથી મારું કિંમતી સ્વરૂપ સમજ્યા વગર મેં મારા
આત્માનું બગાડયું છે, પણ હવે આ ભવમાં તો મારે મારા આત્માનું સુધારી લેવું છે.
અપૂર્વ સત્સમાગમ મળ્યો છે તે મારે સફળ કરવો છે. હવે ભવદુઃખનો મને થાક
લાગ્યો છે. જગતની મોટાઈ મારે જોઈતી નથી. મારે તો મારા આત્માની શાંતિ
જોઈએ છે. – એમ વિચારીને તે અંતર્મુખ થાય છે. એક આત્માર્થ સાધવો એ જ
એનું લક્ષ છે.
આત્મસન્મુખ જીવો બીજા જિજ્ઞાસુને પણ આત્માનો અપાર મહિમા સમજાવીને
સાચો માર્ગ બતાવે છે, ને કુમાર્ગોથી છોડાવે છે. અરેરે, અત્યારે તો દુનિયામાં
કુગુરુઓ અનેક જાતની કુયુક્તિથી ભોળા જીવોને કુમાર્ગમાં ફસાવે છે. દુનિયા તો
સદાય એમ ચાલવાની છે; પણ હે જિજ્ઞાસુ બંધુઓ! તમે આવો મજાનો જૈનધર્મ
અને વીતરાગમાર્ગ પામ્યા, આત્મસ્વરૂપ સમજાવનારા સંતોનો તમને યોગ મળ્યો,
તો હવે કુગુરુઓ સામે કે અન્યમત સામે ભૂલેચૂકે ઝાંખીને પણ જોશો મા, – કેમકે
તેમાં આત્માનું ઘણું જ બૂરું થાય છે. આવા સરસ વીતરાગ – જૈનમાર્ગને જ પરમ
બહુમાનથી આદરજો, તે જ એક આ જગતમાં પરમ હિતકર છે. હે ભાઈ! આ
અવસર પામીને તું જાગ. હવે ઊંઘવાનો સમય પૂરો થયો. માટે જાગૃત થઈ,
આત્માને સંભાળી, ભવદુઃખથી છૂટવાનો ને મોક્ષસુખને પામવાનો ઉદ્યમ કર.
સમ્યક્ત્વ – પ્રાપ્તિનો આ સોનેરી અવસર છે.