Atmadharma magazine - Ank 350
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 41

background image
: ૧૮ : આત્મધર્મ : માગશર : ૨૪૯૯
ચૈતન્યના આનંદનો કોઈ અપૂર્વ સ્વાદ વેદાય છે, તો આખા આનંદના દરિયાની શી
વાત! કોઈ ધગધગતા તાપમાંથી શીતળ પાણીના સરોવરમાં ડુબકી મારે અને તેને ઠંડક
અનુભવાય, તેમ આ સંસારમાં અનાદિથી અજ્ઞાન અને કષાયના તાપમાં બળતો
અજ્ઞાની જીવ ચૈતન્યતત્ત્વનું ભાન કરીને શાંતસરોવરમાં ડુબકી મારે છે, ત્યાં તેને
અપૂર્વ શાંતિ અનુભવાય છે.
ધર્મીજીવ ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ પોતાના ચૈતન્ય
તત્ત્વની શાંતિને ચુકતા નથી. જેમ સોનું અગ્નિમાં તપે છતાં સોનું જ રહે છે, તેમ
સંયોગ અને રાગ – દ્વેષ વચ્ચે પણ ધર્માત્માનું જ્ઞાન તે જ્ઞાન જ રહે છે. રાગથી જુદા
જ્ઞાનતત્ત્વની અનુભૂતિ ધર્મીને સદાય વર્તે છે, અને તે જ મોક્ષનું સાધન છે. તે
ધર્મીજીવને ચૈતન્યના આનંદની એવી ખૂમારી હોય છે કે, દુનિયા કેમ રાજી થશે ને
દુનિયા મારે માટે શું બોલશે – તે જોવા રોકાતા નથી, લોકલાજને છોડીને એ તો
પોતાની ચૈતન્યસાધનામાં મશગુલ છે.
જેમ આકાશની વચ્ચે અદ્ધર અમૃતનો કૂવો હોય તેમ મારું ચૈતન્યગગન
નીરાલંબી ને આનંદના અમૃતથી ભરેલું છે; તે આનંદનો સ્વાદ લેવામાં વચ્ચે
રાગાદિના આલંબનની જરૂર રહેતી નથી. પોતાના કાર્ય માટે બીજાનું આલંબન માંગવું
તે કાયરનું કામ છે; મોક્ષના સાધકો શૂરવીર હોય છે, કોઈના આલંબન વગર પોતાના
સ્વાવલંબને જ તેઓ પોતાના મોક્ષકાર્યને સાધે છે.
જેને આત્માની લગન લાગી છે એવા જીવને આત્માની અનુભૂતિ સિવાય
બીજા કોઈ પરભાવોમાં કે સંયોગોમાં ક્્યાંય ચેન પડતું નથી. તેને પોતાના ચૈતન્યની
જ ધૂન લાગેલી હોય છે. દુનિયા મારે માટે શું માનશે ને શું કહેશે – એ જોવા તે રોકાતો
નથી; તે કહે છે કે દુનિયા દુનિયાને ઘેર રહી, મારે તો દુનિયાને એકકોર મુકીને મારું
આત્મહિત કરી લેવાનું છે. – આ રીતે આત્મસન્મુખ જીવને દુનિયાનો રસ છૂટી જાય છે
ને ચૈતન્યનો સ્વાદ લેવામાં ઉપયોગ વળે છે. તેને જ્ઞાન વિકલ્પની ભિન્નતા ભાસે છે કે
વિકલ્પનો એક અંશ પણ મારા જ્ઞાનનું કાર્ય નથી. વિકલ્પના સ્વાદ કરતાં મારા
જ્ઞાનની જાત જ જુદી છે. રાગનો એક અંશ પણ જ્ઞાનપણે ભાસતો નથી. આવા
નિર્ણયના જોરે એકવાર જેને આત્માનો રંગ ચડી જાય તે જીવ રાગથી છૂટો પડીને
જ્ઞાનસ્વભાવનો સાક્ષાત્ અનુભવ કરે છે. વિકલ્પોથી અત્યંત વિરક્ત થઈને
જ્ઞાનસ્વભાવમાં તન્મયપણે પરિણમ્યો તે જીવ પોતાને પરમાત્માપણે અનુભવે છે; અને
આવો અનુભવ કરનાર જીવ અલ્પકાળમાં સાક્ષાત્