શુભરાગ તે કાંઈ આત્માનો સહજ ભાવ નથી, તે તો પરાશ્રયે થયેલો આડંબર છે.
શુભાશુભરૂપ બાહ્ય ક્રિયાકાંડનો આધાર આત્મા નથી, આત્મા તો રાગવગરની
અંતઃક્રિયાનો આધાર છે. આવા આત્મસ્વભાવને જાણીને તેની સન્મુખ થયેલી ખાસ
પરિણતિ તે ધર્મધ્યાન છે; તે જ આત્માને ધ્યાવવાની સાચી સામગ્રી છે. બીજી બધી
સામગ્રી (શુભક્રિયાઓ) તે તો કહેવા માત્ર સાધન છે, પરમાર્થ તો તે આડંબર છે,
તેનાથી પાર આત્માની અનુભૂતિ છે. આવી અનુભૂતિમાં ધ્યાતા – ધ્યાન – ધ્યેય કે
તેનું ફળ એવા ભેદ–વિકલ્પો નથી, તે તો વિકલ્પોથી પાર અંતર્મુખાકાર આત્માને જ
અવલંબનારી છે. ધુવ તે ધ્યેય ને પર્યાય તે ધ્યાતા – એવા ભેદ પણ જેમાં નથી –
એવા અંતર્મુખઆકાર પરમતત્ત્વમાં ઉપયોગની સ્થિરતા તે જ પરમ ધ્યાન છે. આવી
પોતાની શુદ્ધ પરિણતિ તે જ અંતર્મુખ પરમ સામગ્રી છે; –આવી ખાસ સામગ્રીવડે
જે ધર્મી પોતાના પરમાનંદમય તત્ત્વને ધ્યાવે છે તે જીવને પરમ સમાધિ છે. આવી
સમાધિરૂપે પરિણમેલા જીવને બાહ્યસાધનના આલંબનની વ્યગ્રતા નથી. અરે જીવ!
તારા આત્મા સિવાય બહારમાં બીજા ભગવાનનું આલંબન પણ તારી સમાધિમાં
ક્્યાં છે? બીજાનું આલંબન લેવા જઈશ તો તને અસમાધિ થશે. તારો આત્મા કાંઈ
અધૂરો નથી કે કોઈ બીજાનું આલંબન લેવું પડે. સ્વભાવની સામગ્રીથી પરિપૂર્ણ
તારો આત્મા છે તેના અવલંબનમાં શ્રદ્ધા–જ્ઞાન–સંયમ–તપ–ધ્યાન વગેરે બધું સમાઈ
જાય છે. આખોય મોક્ષમાર્ગ આત્માના જ અવલંબને છે. આવા નિજ આત્માના
અવલંબન વગરનું બધું વ્યર્થ છે, કેમકે તે સંસારનું જ કારણ છે.
હું પણ એવા જ આત્માને મારું ધ્યેય બનાવીને તે તરફ ઢળું છું; ભેદના વિકલ્પો
તરફ હું નથી નમતો. ચૈતન્યના નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિત સંતો પ્રત્યે મારો પ્રમોદ
જાહેર કરીને તેમને હું નમું છું.