: ૨૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૯
લગની લાગી મારા ચૈતન્યદેવની સાથ,
હવે રાગનાં મીંઢળ નહીં બાંધુ રે.....
અંતરના ચૈતન્યમાં વળેલું જ્ઞાન તો મહા ગંભીર છે. સમ્યગ્દ્રર્શન થયા પછી જીવ
પોતાના આનંદરસના એક અંશનેય વિકલ્પમાં જવા દેતો નથી. ચૈતન્યરસ તો પરમ
શાંત, તેને રાગના આકુળરસ સાથે મેળ ખાય નહીં. હિમના ઢગલા જેવા ચૈતન્યરસમાં
વિકલ્પોની ભઠ્ઠી હોય નહીં. – પોતામાં ચૈતન્યની આવી શાંતિનો સ્વાદ ચાખ્યો, પછી
દુનિયા શું બોલશે? નિંદા કરશે કે પ્રશંસા કરશે? તે જોવા જ્ઞાની રોકાતા નથી. તેને
દુનિયા પાસેથી પ્રમાણપત્ર લેવું નથી; તેને પોતાના અનુભવજ્ઞાનવડે પોતાના આત્માનું
પ્રમાણપત્ર મળી ગયું છે; પોતાના આત્મામાંથી શાંતિનું વેદન આવી ગયું છે, હવે
બીજાને પૂછવાપણું રહ્યું નથી. તે નિઃશંક છે કે અંતરમાં ચૈતન્યના આનંદને દેખ્યો –
અનુભવ્યો તે જ હું છું, મારી ચૈતન્યજાત રાગ સાથે મેળવાળી નથી. ચૈતન્ય સાથે તો
અતીન્દ્રિય આનંદને વીતરાગતા શોભે, ચૈતન્યની સાથે રાગ ન શોભે. આવા આત્માની
અનુભૂતિ સમ્યગ્દ્રષ્ટિને હોય છે. અનુભૂતિના વિશેષ સ્વાદ વડે આત્માનું અદ્ભુત સ્વરૂપ
તેણે સાક્ષાત્ કરી લીધું છે. અહા, આત્માની અનુભૂતિમાં સમકિતી જે અતીન્દ્રિય
આનંદને અનુભવે છે તેના જેવો સ્વાદ જગતના કોઈ પદાર્થમાં કે રાગમાં ક્યાંય નથી
આવી અંર્તઅનુભૂતિ વડે ધર્મી જીવ આત્માની સિદ્ધિને સાધે છે.
જુઓ, ભગવાન આત્માને સાધવાની આ અલૌકિક રીત! મહાવિદેહમાં સીમંધર
તીર્થંકર બિરાજી રહ્યા છે, ત્યાં જઈને દિવ્યધ્વનિમાંથી આ ઊંચો માલ લાવીને
ભગવાનના આડતિયા તરીકે કુંદકુંદસ્વામી ભવ્ય જીવોને આપે છે. માટે હે જીવો! તમે
ભગવાનના આ સન્દેશને આનંદથી સ્વીકારીને જીવનમાં ઊતારો. અહો! ચૈતન્યતત્ત્વ તો
આવું સરસ... રાગ વગર શોભી રહ્યું છે, તેને દેખીને સર્વપ્રકારે પ્રસન્ન થાઓ. અંદર
ચૈતન્યપાતાળમાં શાંતરસનો આખો સમુદ્ર ભર્યો છે; તે એટલો મહાન છે કે તેને દેખતાં
જ સર્વે વિકલ્પો તૂટી જાય છે, ને જ્ઞાનના અતીન્દ્રિય કિરણોથી ઝગમગતું આનંદપ્રભાત
ખીલે છે.
અહા, જેને આવો મહાન આત્મા સાધવો છે તેને જગતની પ્રતિકૂળતા કેવી?
આત્માર્થી જીવ સંયોગના આધારે હતાશ થઈને બેસી નથી રહેતો. તે જાણે છે કે,
બહારમાં અનંતી પ્રતિકૂળતાના ગંજ હોય તોપણ, મારું આનંદનું ધામ મહાન
ચૈતન્યતત્ત્વ છે, તે તો મને અનુકૂળ જ છે, તેમાં જરાય પ્રતિકૂળતા નથી. પોતાના
આનંદધામમાં અંદર ઊતરીને તે ધર્મી મોક્ષના પરમ સુખને અનુભવેછે. ચૈતન્યને