: પોષ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૯ :
જાણીને સ્વઘરમાં આવ્યો ત્યાં તેના અનંતકાળના પરિભ્રમણના થાક ઊતરી ગયા.
સમ્યગ્દ્રર્શન થયા પછી આત્મસન્મુખ જીવની રહેણી – કરણી બહારમાં કદાચ
પહેલાંં જેવી લાગે પણ અંદરમાં તો આકાશ – પાતાળ જેવો મોટો ફેર પડી ગયો છે. હવે
તેને સંસારમાં કે રાગમાં રસ નથી; તેને પોતાના આત્મામાં જ રસ છે. તીવ્ર
પાપપરિણામો હવે તેને આવતાં નથી; તેના આહારાદિ પણ યોગ્ય મર્યાદાવાળા હોય છે.
વિષયાતીત ચૈતન્યની શાંતિ પાસે હવે તેને વિષય – કષાયોનું જોર તૂટી ગયું છે.
ચૈતન્યપ્રાપ્તિના મહાન ઉલ્લાસથી તેનું જીવન ભરેલું હોય છે. વીતરાગવાણીરૂપી સમુદ્રના
મંથનથી જેણે શુદ્ધ ચિદ્રૂપ – રત્ન પ્રાપ્ત કર્યું છે એવો તે સમ્યગ્દ્રષ્ટિ જીવ ચૈતન્યપ્રાપ્તિના
પરમ ઉલ્લાસથી કહે છે કે અહો, મને સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મળ્યું. સર્વજ્ઞભગવાનની
વાણીરૂપી શ્રુતસમુદ્રનું મથન કરીને, કોઈપણ પ્રકારે વિધિથી મેં, પૂર્વે કદી નહીં પ્રાપ્ત કરેલું
અને પરમ પ્રિય એવું શુદ્ધ ચૈતન્યરત્ન પ્રાપ્ત કરી લીધું છે. ચૈતન્યરત્નની પ્રાપ્તિથી મારી
મતિ સ્વચ્છ થઈ ગઈ છે, તેથી મારા ચૈતન્ય સિવાય અન્ય કોઈ દ્રવ્ય મને મારું ભાસતું
નથી. આ ચૈતન્યરત્નને જાણી લીધા પછી હવે જગતમાં મારા ચૈતન્યરત્નથી ઊંચો બીજો
કોઈ એવો પદાર્થ નથી – કે જે મારે માટે રમ્ય હોય. જગતમાં ચૈતન્યથી શ્રેષ્ઠ બીજું કોઈ
વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણ યોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત
કરવા યોગ્ય નથી, બીજું કોઈ આદેય નથી. આવું સૌથી શ્રેષ્ઠ ચૈતન્યતત્ત્વ મેં પ્રાપ્ત કરી
લીધું છે. વાહ, કેવું અદ્ભુત છે – મારું ચૈતન્યરત્ન!
અહો, મારું ચૈતન્યતત્ત્વ આવું સુંદર, પરમ આનંદથી ભરેલું, તેમાં રાગની
આકુળતા કેમ શોભે? સુંદર ચૈતન્યભાવને મલિન રાગ સાથે એકતા કેમ હોય? જેમ
સજ્જનતા મોઢા ઉપર માંસના લપેટા શોભે નહિ તેમ સત્ એવા ચૈતન્ય ઉપર રાગના
લપેટા શોભે નહિ; ચૈતન્યભાવમાં રાગનું કર્તૃત્વ હોય નહીં. – ધર્મી આવી ભિન્નતા
જાણે છે તેથી પોતાના ચૈતન્યભાવમાં રાગના કોઈ અંશને તે ભેળવતો નથી. સુખ
ચૈતન્યસ્વભાવમાં છે તેને જાણે – અનુભવે તો જ ચૈતન્યસુખનો સ્વાદ આવે ને ત્યારે જ
રાગાદિનું કર્તૃત્વ છૂટે – સમ્યગ્દ્રષ્ટિની દશા આવી હોય છે. જે રાગનો કર્તા થશે તે રાગ
વગરના ચૈતન્યનો સ્વાદ લઈ શકશે નહિ; અને રાગ વગરના ચૈતન્યનો સ્વાદ જેણે
ચાખ્યો તે કદી રાગનો કર્તા થશે નહીં. એક સૂક્ષ્મ વિકલ્પના સ્વાદને પણ તે જ્ઞાનથી
ભિન્ન જ જાણે છે; તેથી કહ્યું છે કે –
કરે કરમ સોહી કરતારા, જો જાને સો જાનનહારા;
જાને સો કરતા નહીં કોઈ, કર્તા સો જાને નહીં કોઈ.
– આવા સમકિતી – સંત જગતમાં સુખીયા છે. તેમને નમસ્કાર હો.