Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 49

background image
: : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
• અહો, તીર્થંકરદેવના દરબારમાંથી આવેલી આ વાત છે. ભાઈ! તારા સ્વરૂપની
આ વાત છે. તારું આવું પરમ સ્વરૂપ સમજતાં તારાં સ્વકાર્ય સિદ્ધ થશે. મોક્ષનો
ઉપાય એટલે કે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મુમુક્ષુનું કાર્ય છે. તે કાર્યનું
કારણ થવાની જેનામાં તાકાત છે એવો સહજ શુદ્ધ ચેતનસ્વભાવ અનંત–
ચતુષ્ટયથી ભરેલો ત્રિકાળ આત્મા છે. અંતર્મુખ થઈને તેને અવલંબતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય થયું–તે મોક્ષમાર્ગ છે. મોક્ષને માટે મોક્ષાથી
જીવે તે નિયમથી કર્તવ્ય છે.
• વ્યવહારને–શુભરાગને નિયમથી કર્તવ્ય ન કહ્યું; તે તો વચ્ચે આવે છે પણ તે
કાંઈ મોક્ષનો ઉપાય નથી. મોક્ષનો ઉપાય તો, રાગથી અત્યંત નિરપેક્ષ છે, તેમાં
એકલા શુદ્ધ સ્વદ્રવ્યનું જ અવલંબન છે, પરદ્રવ્યનું–રાગનું–ભેદનું તેમાં જરાય
અવલંબન નથી.
ધર્મી કહે છે કે અહો! મારા પરમ તત્ત્વમાંથી આવા નિરપેક્ષ અનુપમ રત્નત્રયને
પ્રાપ્ત કરીને હું મોક્ષના અતીન્દ્રિયસુખને અનુભવું છું. પોતાના નિજ–પરમ–
તત્ત્વનું અવલંબન તે જ મોક્ષના આનંદનો માર્ગ છે. અહો, આનંદનો માર્ગ
અંદરમાં છે, બહારમાં કોઈ બીજાના અવલંબને આનંદની પ્રાપ્તિ થતી નથી.
વાહ, જન્મ–મરણના દુઃખના અંતની, અને મોક્ષના આનંદની પ્રાપ્તિની આ રીત
છે. અસંગ ચૈતન્યપ્રભુનો સંગ કરતાં સંસારનો રંગ છૂટી જાય છે ને મોક્ષનો
અવસર આવે છે.
• મોક્ષમાર્ગરૂપ કાર્ય સાધવા માટેનું કારણ જીવના પોતાના સ્વભાવમાં જ
વિદ્યમાન છે. તે કારણનો સ્વીકાર થતાં શુદ્ધ કાર્ય થયું છે. આ જે સમ્યક્ત્વાદિરૂપ
શુદ્ધકાર્ય મારામાં થયું–તેનું શુદ્ધ–કારણ પણ મારામાં જ વિદ્યમાન છે. –આમ જેણે
કારણસ્વભાવનો સ્વીકાર કર્યો તેને રાગાદિમાંથી કારણની બુદ્ધિ છૂટી ગઈ છે,
અર્થાત્ રાગ મારા રત્નત્રયનું કારણ બને એવો ભાવ તેને રહેતો નથી; રાગથી
ભિન્ન જે શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે તેને જ તે કારણપણે સ્વીકારીને તેના આશ્રયે
શુદ્ધકાર્યરૂપે પોતે પરિણમે છે. મોક્ષને માટે આ નિયમથી કર્તવ્ય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવે પરમાત્મસુખનો સ્વાદ ચાખ્યો છે; તે અતીન્દ્રિય પરમાત્મસુખની
જે તેને અભિલાષા છે; સંયોગની અનુકૂળતા કે પ્રતિકૂળતા આત્મામાં નથી.