Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 69

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
ભગવાને પોતાના આત્માની પૂર્ણતા સાધી, અને ઉપદેશમાં બધા આત્માનું
પૂર્ણાનંદસ્વરૂપ પ્રસિદ્ધ કર્યું. પર્યાયમાં રાગાદિ હોવા છતાં, રાગ વગરનો ચેતનસ્વભાવ
છે, તે સ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતા વડે અજ્ઞાનને તથા રાગ–દ્વેષને જીતીને ભગવાન
‘જિન’ થયા. આવું જે કરે તે જૈન કહેવાય. બધા જીવોનો સ્વભાવ ભગવાન જેવો છે,
તેને ઓળખતાં મોહને જીતીને જૈનપણું થાય છે.
ભગવાન મહાવીર પરમાત્માનું શાસન અત્યારે ચાલી રહ્યું છે. કઈ રીતે ચાલી
રહ્યું છે? કે ભગવાને કહેલા આત્માનું સ્વરૂપ ઓળખીને તેના શ્રદ્ધા–જ્ઞાન–શાંતિમાં જે
જીવો વર્તી રહ્યા છે તે જીવોની પર્યાયમાં મહાવીરનું શાસન વર્તી રહ્યું છે. મહાવીર
પ્રભુએ સાધેલા માર્ગમાં તે જીવો ચાલી રહ્યા છે.
આત્માનું સ્વરૂપ રાગાદિથી પાર, ચિદાનંદસ્વરૂપ છે, તેનો અનુભવ કરીને
આત્માની સાધક દશા તો ભગવાનના જીવે પૂર્વ ભવોમાં જ શરૂ કરી હતી. આગળ
વધતાં–વધતાં આત્માની પૂર્ણદશાની પ્રાપ્તિ માટે આ અવતાર હતો. તેઓ સંસારથી તો
થાકેલા હતા ને ચૈતન્યની અપૂર્વ શાંતિનું વેદન કરીને સહજ વૈરાગ્યચિત્તવાળા થયા
હતા......તેઓ ચૈતન્યમાં લીન થઈને વીતરાગ થયા, પછી સર્વજ્ઞ થયા ને પછી
દિવ્યધ્વનિ વડે જગતને ઉપદેશ આપ્યો. તે ઉપદેશમાં એમ કહ્યું કે–
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમ–મરણાદિ હીન ને અષ્ટગુણ સંયુક્ત છે.
અહા! જુઓ, આ વીરનાથનો ઉપદેશ! ધર્મી જાણે છે કે સિદ્ધભગવાન જેવા જ
ગુણોથી ભરેલો હું છું. આવા આત્માનું ભાન કરતાં જેને સમ્યગ્દર્શન થયું, આત્માનો
અનુભવ થયો, ક્લેશ વગરની સહજ શાંતિનો સ્વાદ ચાખ્યો તે જીવનું ચિત્ત સહજ
વૈરાગ્યપરાયણ હોય છે. અનાદિથી અજ્ઞાનભાવે રાગમાં જ રક્ત હતો, તે હવે ચૈતન્યનો
સ્વાદ ચાખીને તેમાં જ અનુરક્ત થયો, ને રાગાદિથી તેનું ચિત્ત વિરક્ત થયું;–એવા જીવો
આસન્ન ભવ્ય છે; ને તેમાં પણ અતિ આસન્ન ભવ્ય જીવો તે ભવમાં જ સિદ્ધદશાને
સાધે છે.
આ સંસારમાં પરિભ્રમણમાં પરભાવોના દુઃખવેદનથી જેને થાક લાગ્યો હોય,
ભવનો ત્રાસ લાગ્યો હોય તે જીવ અંતરમાં ચૈતન્યને શોધીને તેમાં વિસામો લ્યે છે.