Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૬–A :
‘વાહ! મારી વસ્તુ સંતોએ મને આપી’
[નિયમસાર ગાથા ૪૭–૪૮ ના પ્રવચનોમાંથી]
‘સર્વ સંસારી જીવો પણ શુદ્ધનયથી સિદ્ધપરમાત્મા જેવા જ
છે.’–અહો! આમ કહીને સંતોએ આત્માનો પરમસ્વભાવ બતાવ્યો
છે. આવા પરમસ્વભાવનો સ્વીકાર કરનારા જીવને પર્યાયમાં પણ
સિદ્ધદશાના સાધનરૂપ સમ્યક્ત્વાદિ ભાવો વિદ્યમાન છે.–આ જ
વીરનાથનો માર્ગ છે ને આ જ પરમાગમનો સાર છે.
કેવળજ્ઞાનાદિ શુદ્ધકાર્ય જેમને પ્રગટ છે એવા સિદ્ધ પરમાત્મા જેવો જ આ આત્મા
છે. આવા આત્મા તરફ પર્યાય વળીને તેનો જ્યાં સ્વીકાર થયો ત્યાં ‘આ શુદ્ધકારણ ને
આ શુદ્ધ કાર્ય’ એવા કારણ–કાર્યના ભેદ પણ રહેતા નથી. શુદ્ધપણે આત્માને
અનુભૂતિમાં લીધો ત્યાં કૃતકૃત્યતા જ થઈ ગઈ. સિદ્ધભગવંતોને જેવું શુદ્ધકાર્ય થયું છે
તેવો જ દરેક આત્માનો સ્વભાવ છે. આવો સ્વભાવ જેના જ્ઞાનમાં બેઠો તેનું જ્ઞાન
પરભાવોથી છૂટું પડીને સિદ્ધપરમાત્મા જેવું થઈ ગયું. આવા શુદ્ધસ્વભાવનો વિશ્વાસ
કરનારી પર્યાય તેના જેવી થઈને તેમાં અભેદ થઈ ગઈ. શુદ્ધકાર્ય દ્વારા શુદ્ધ કારણનો
સ્વીકાર થયો ત્યાં કારણ–કાર્યનો ભેદ પણ રહેતો નથી. કાર્ય પોતે કારણસ્વભાવસન્મુખ
અભેદ થઈને એમ અનુભવે છે કે ‘આ હું છું. ’ આ કારણ છે ને આ કાર્ય છે–એવા ભેદ
ત્યાં રહેતા નથી.
અહો! આ શ્રદ્ધાની તાકાત કોઈ અજબ છે! રાગથી એનો પાર ન પમાય. કાર્ય
શુદ્ધ થયું ત્યારે કારણની ખબર પડી કે અહો! મારો આખો સ્વભાવ આવો છે. અશુદ્ધતા
કે ભવ તે હું નહિ; જેવું શુદ્ધકાર્ય પ્રગટ્યું તેવો શુદ્ધ મારો સ્વભાવ છે. અહો! આવો
ચૈતન્યભાવ એકવાર અંદર જ્ઞાનમાં સ્પર્શી જાય તેને ભવભ્રમણ ખલાસ થઈ જાય. અરે,
અંદર ઢૂંઢી–ઢૂંઢીને તારા ભગવાનને શોધ. અંદર તું પોતે ભગવાન બેઠો જ છે....નજરમાં
લે એટલી જ વાર છે. સિદ્ધભગવાનના ગુણોમાં ને તારામાં કાંઈ ફેર નથી.