ગમે તે પ્રસંગમાં–સંયોગમાં કે વિયોગમાં, ઘરમાં કે વનમાં, સોનગઢમાં કે પ્રવાસમાં
મુમુક્ષુના હૃદયના આત્મસંસ્કાર પોતાનું કામ કરતા જ હોય છે... આત્મ–રસની એ ખૂબી
છે કે તે ગમે ત્યાં ને ગમે ત્યારે મીઠો જ લાગે છે. ખરેખર, આ મધુર આત્મરસનું
ધોલન કરી કરીને એનો સ્વાદ લેવો એ જ ગુરુના સત્સંગનું ફળ છે, એ જ શ્રીગુરુની
સાચી પ્રસાદી છે, ને એમાં જ ગુરુનું સાચું સાન્નિધ્ય છે.
ભવ્ય સ્વાગત થયું. સ્વાગત માટે શેઠશ્રી શાંતિપ્રસાદજી શાહૂના અધ્યક્ષપદે પ૧
સભ્યોની કમિટિ નીમવામાં આવી હતી. ભવ્ય–સુસજ્જિત કુંદકુંદ–પ્રવચનમંડપમાં
ગુરુદેવનું મંગલ પ્રવચન, થયું તેમાં ગુરુદેવે આત્માના ચિદાનંદસ્વભાવનો પરમ મહિમા
સમજાવતાં કહ્યું કે આવા આત્માનું સ્વરૂપ પ્રેમથી સાંભળવું ને તેની પ્રીતિ કરવી તે પણ
મંગળ છે. સવાર–બપોર ગુરુદેવના પ્રવચનો હજારો જિજ્ઞાસુઓ ઉત્સાહથી સાંભળતા
હતા; આસપાસના અનેક નગરોથી પણ જિજ્ઞાસુઓ લાભ લેવા આવ્યા હતા. દિલ્હીના
ઉપનગરોમાં પણ ગુરુદેવના પ્રવચનો થયા, ગુરુદેવનો પ્રભાવ દેખીને સૌને પ્રસન્નતા
થઈ. શાહૂજી દ્વારા અભિનંદન–પત્ર અર્પણ કરવામાં આવ્યું. અનેક કવિઓએ પણ
ગુણગાનવડે પોતાની કાવ્યશક્તિનો સદુપયોગ કર્યો. ગુરુદેવના પદાર્પણથી અને વાણીથી
ભારતનું પાટનગર ધન્ય બન્યું. એ દેખીને એમ થતું કે અહા! ધન્ય છે આ ભારતદેશ–કે
જ્યાં તીર્થંકરોના સન્દેશ આજેય સાંભળવા મળે છે... ને જેનું પાટનગરમાં
ચૈતન્યમહિમાના રણકારથી ગૂંજી રહ્યું છે.–એ જ ભારતદેશનું ગૌરવ છે..... એ જ
ભારતદેશની શોભા છે. દિલ્હીથી તા. ૨૮ મી એ સવારમાં ગુરુદેવ કલકત્તા શહેર
પધાર્યા. (દિલ્હી અને કલકત્તા વચ્ચે બિહાર પ્રદેશમાં આપણા અનેક તીર્થો સમ્મેદ–
શિખર–રાજગૃહી–પાવાપુરી વગેરે આવેલ છે; અનેક મુમુક્ષુઓ તે તીર્થોની યાત્રા કરીને
આનંદિત થયા.)