Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
ગીધ અને કબુતર પણ પોતાના પૂર્વ ભવો જાણીને તથા આવો મધુર હિતકર
ઉપદેશ સાંભળીને પ્રસન્ન થયા, પૂર્વ ભવના વેરના સંસ્કાર તેમણે છોડી દીધા, તેમનું
ચિત્ત સંસારથી એકદમ વિરક્ત થયું, પોતાના દોષોની નિંદા કરીને ધર્મમાં ચિત્ત જોડયું,
અને સર્વ પ્રકારના આહારને છોડીને અનશન વ્રત ધારણ કર્યું. હૃદયમાં જિનેદ્રદેવના
ધર્મને ધારણ કરીને વીરતાપૂર્વક ઉત્તમ ભાવનાસહિત સંન્યાસ–મરણ કરીને તે બંને
પક્ષીઓ દેવ તરીકે ઉત્પન્ન થયા.
તે દેવોએ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મની વાત જાણી કે અહો!
મેઘરથરાજાનો મહાન ઉપકાર છે કે તેમના ઉપદેશના પ્રતાપે અમે પશુમાંથી દેવ થયા
છીએ, ને જિનેન્દ્રદેવનો ઉત્તમ ધર્મ અમને મળ્‌યો છે.–આમ વિચારી તરત તેઓ
મેઘરથરાજા પાસે આવ્યા ને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા કે હે શ્રેષ્ઠ વિદ્વાન!
અમને ધર્મનું સ્વરૂપ સમજાવીને મેઘની જેમ તમે ઉપકાર કર્યો છો; અહો, સમ્યગ્દર્શનાદિ
રત્નોવડે આપ સુશોભિત છો, જિનધર્મના જ્ઞાતા છો, શીલના સાગર છો. આપના
પ્રતાપે અમારો ઉદ્ધાર થયો છે, અને અહિંસામય જૈનધર્મ પામ્યા છીએ. આમ કહી
ફરીફરી નમસ્કાર કરીને તે દેવો પોતાના સ્થાને ચાલ્યા ગયા.
ત્યારપછી આગળ જતાં તે મેઘરથરાજા સંસારથી વિરક્ત થઈ મુનિ થયા,
તીર્થંકરપ્રકૃતિ બાંધી, અને ત્રીજા ભવે આ ભરતક્ષેત્રની હસ્તિનાપુરનગરીમાં અવતરી,
ચક્રવર્તી થઈ, છખંડ છોડી, અખંડ આત્માને આરાધી, કેવળજ્ઞાન પ્રગટાવી, આ ભરત–
ક્ષેત્રના ૧૬મા શાંતિનાથ તીર્થંકર થયા.... તેમને નમસ્કાર હો.
હે ભાઈ! આત્માનાં અંતરના અનુભવને જાણ્યા વગર
એકલા બહારના અનુમાનથી તું જ્ઞાનીનુંં માપ કાઢવા જઈશ – તો
ભ્રમણામાં પડીશ. ‘અનુભવી હોય તે જ અનુભવીને ઓળખે’ –
એટલે આ આત્મા સર્વજ્ઞ છે, આ આત્મા સાધકધર્મી છે – એવો ખરો
નિર્ણય, તેવી જાતનો અંશ પોતામાં પ્રગટ કરે ત્યારે જ થાય છે.
અંતર્મુખ થઈને આત્માને સ્વસંવેદનમાં લેનાર જ્ઞાનદશા ભલે
અધૂરી હોય તોપણ તેને ‘પ્રત્યક્ષ’ કહેવાય છે. એવા પ્રત્યક્ષ વગર
એકલા અનુમાનથી આત્માનો નિર્ણય થઈ શકતો નથી.