Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 69

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૯
દેખીને તેની અનુમોદના કરનારા અજ્ઞાની પશુઓ (સિંહ–વાંદરો વગેરે) પણ
ઉત્તમ પુણ્ય બાંધીને ભોગભૂમિના સુખને પામે છે. સુપાત્રદાન તે ગૃહસ્થોનું મુખ્ય કાર્ય
છે ને તે મહાનપુણ્યનું કારણ છે.–પરંતુ માંસાદિનું દાન તે તો પાપની ખાણ છે; જે દુષ્ટ
જીવ માંસ લેવાની ઈચ્છા કરે છે તે પાપી જીવ દાન માટે પાત્ર કેમ હોય? માંસાદિનું દાન
કરનાર એ દાતા નથી પણ સ્વ–પરને નરકમાં લઈ જનાર છે.
આ રીતે હે સભાજનો! માંસભક્ષણની ઈચ્છા કરનારું આ ગીધ તે કાંઈ દાન દેવા
યોગ્ય સત્પાત્ર નથી. તે તો માંસનું લોલુપી, દૂષ્ટ, હિંસક અને વિષયાંધ છે. વળી કબુતર
એ કાંઈ દાનમાં દેવા યોગ્ય વસ્તુ નથી, એ કાંઈ ખોરાકને યોગ્ય ચીજ નથી; એ તો
ભયભીત થઈને શરણે આવેલું છે, તે રક્ષા કરવા યોગ્ય છે. ગીધનું જીવવું કે મરવું તે
તેના કર્મઆધીન હોનહાર હશે તેમ થશે. આ સંસારના જીવો પોતાના પુણ્ય પાપ
અનુસાર સુખી–દુઃખી થાય છે. માટે ધર્મીજીવોએ સ્વ–પરનું હિત વિચારીને, કોઈ
જીવોની હિંસા ન થાય તે રીતે સુપાત્ર દાનાદિ કર્તવ્ય છે.
આ પ્રમાણે રાજા મેઘરથની વાણી સાંભળીને તે દેવને પ્રસન્નતા થઈ, અને તેણે
મેઘરથને નમસ્કાર કરીને તેની પ્રશંસા કરી કે અહો રાજન્! તમે પૂજ્ય છો, તમે
તત્ત્વજ્ઞાની છો, દાનધર્મનું સાચું સ્વરૂપ જાણનારા છો, ત્રણજ્ઞાનના ધારક છો, આપની
કીર્તિ સ્વર્ગમાં પણ વ્યાપી ગઈ છે, આપે ધર્મનું સ્વરૂપ સમજાવીને અને માંસભક્ષણના
દોષ બતાવીને તથા જીવરક્ષા કરીને, અમારા ઉપર તેમજ ગીધ અને કબુતર ઉપર પણ
મહાન ઉપકાર કર્યો છે. પ્રભો! આપ ભવિષ્યના તીર્થંકર છો..... આપને ધન્ય છે.... એ
પ્રમાણે સ્તુતિ કરીને તે દેવે સ્વર્ગના વસ્ત્રાભૂષણ વડે તેમનું સન્માન કર્યું.
ગીધ અને કબુતર પણ પોતાના પૂર્વભવના વેરની કથા સાંભળીને ઘણો વૈરાગ્ય
પામ્યા, અને તેમણે પરસ્પર વેરભાવ છોડી દીધો,–બંને ઘણા શાંત થયા.
રાજા મેઘરથે કહ્યું: અરે ગીધ! તમે બંને પૂર્વભવના ભાઈ, પણ ક્રોધાદિ
વેરભાવને લીધે ઘણા દુઃખી થયા, ને ભાઈ–ભાઈને ખાવા તૈયાર થયા. અરે, આવો
ક્રોધ, આવું વેર અને આવા જીવહિંસાના પરિણામ તમને શોભતા નથી.... માટે તે
પરિણામને છોડ...... માંસભક્ષણના ક્રૂરભાવને તું છોડી દે. હે કબુતર! તું પણ ભયરહિત
થા. ક્રોધ, ભય, હિંસા વગેરે વિભાવોથી જુદો શાંતસ્વરૂપ આત્મા છે, તેને સમજીને તમે
શાંતભાવને ધારણ કરો.