સમ્યગ્દર્શન વગર અનંતવાર વ્રત–તપ–દયા–દાનાદિ કરવા છતાં જીવ લેશ પણ સુખ
ન પામ્યો કે તેના જન્મ–મરણનો અંત ન આવ્યો. બાપુ! અત્યારે આત્માને
ઓળખીને જન્મ–મરણના ફેરાથી છૂટવાનો આ અવસર છે.–સુખી થવું હોય તો આ
વાત સમજયે જ છૂટકો છે. બાપુ! તારા ચૈતન્યતત્ત્વનો અપાર મહિમા એકવાર તો
હોંશથી સાંભળ! સાંભળીને તે લક્ષમાં લે, તો તને રાગાદિ સર્વે પરભાવોનો રસ
છૂટી જશે; એટલે આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન થઈને આત્મા પોતે જ્ઞાન–
આનંદરૂપે થઈ જશે. આ તારાથી થઈ શકે તેવું છે, માટે ભગવાને અને સંતોએ
ઉપદેશ્યું છે.
શું કામ છે? (જગતડાં કહે છે કે ભગતડાં ઘેલાં છે...પણ ઘેલાં ન કહેશો રે...એ તો
પ્રભુને ઘેર પેલાં છે.) પોતાના આત્માનું હિત થતું હોય તો પછી જગતની નિંદા–
પ્રશંસા સામે શું જોવું? જગત ગમે તેમ બોલે, આ તો પોતે પોતાના આત્માનું હિત
કરી લેવાની વાત છે.
ભાઈ, ચોરાશીના ભવચક્રમાં રખડતાં તેં અનંત દુઃખ વેદ્યા, પણ તારો જ્ઞાનાનંદ
સ્વભાવ અપૂર્વ સુખથી ભરેલો છે, તેને ઓળખવાની ફૂરસદ એક ક્ષણ પણ તેં લીધી
નથી. બહુ તો ધર્મના નામે શુભરાગમાં અટક્યો, પણ તારું સ્વરૂપ રાગથી પાર,
ચૈતન્યસ્વભાવરૂપ છે તેને તેં કદી લક્ષમાં ન લીધું. અત્યારે તને તે સ્વરૂપ
સમજવાનો અવસર મળ્યો છે.–બાપુ! આવા ટાણે નહિ સમજ તો કયારે સમજીશ?
ભાઈ, તારો અસલી સ્વભાવ કેવો છે–તેનો નિશ્ચય તો કર. તો તારા ચોરાશીના
ફેરા ટળી જશે.
ચોરાશીના ફેરામાંથી બહાર કાઢીને મોક્ષના પંથે લઈ જવા માટે જ આપનો
અવતાર છે.