Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 66 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૫૫ :
આત્મસ્વરૂપને નકકી કરીને, તેના જ અનુભવમાં પરિણામ એકાગ્ર કરતાં
આત્મા સમસ્ત ક્રોધાદિ પરભાવોથી છૂટો પડી જાય છે... ભગવાન ચૈતન્યસમુદ્ર પોતે
પોતામાં સ્થિર થતાં વિકલ્પના વમળ રહેતા નથી એટલે આસ્રવો પણ છૂટી જાય છે.
અહો, આવા ચિદાનંદ આત્માની વાત પ્રેમથી સાંભળવી તે પણ મહા ભાગ્ય
છે. પર તરફના ભાવોમાં (અશુભમાં કે શુભમાં) જેને દુઃખ લાગ્યું હોય ને અંતરમાં
સુખસ્વભાવનું વેદન કરવા માટે જેને ઝંખના થઈ હોય એવા શિષ્યને આ વાત
સમજાવે છે. ભાઈ, આ જડ શરીરના રજકણોથી તારું ચૈતન્યતત્ત્વ તદ્ન જાદું છે.
તારા ચૈતન્યને ભૂલીને તું અનંત દુઃખ પામ્યો. ભૂંડના બચ્ચાંને બાંધીને અગ્નિના
ભઠ્ઠામાં જીવતું સેકે ને તેને જે દુઃખ થાય, એથીયે અનંતગણા દુઃખ આ સંસારમાં
અનંતવાર તું ભોગવી ચુક્્યો છો, રાગાદિભાવોમાં ક્્યાંય તને શાંતિ ન મળી, તો હવે
તારું ચૈતન્યસ્વરૂપ કે જે અશાંતિ વગરનું છે, દુઃખ વગરનું છે, છ કારકના ભેદનો
વિકલ્પ પણ જેમાં પાલવતો નથી, જ્ઞાન–દર્શન – સુખથી જે પૂરું છે – એને તું જાણ;
એનો નિશ્ચય કર. અરે, જેની વાર્તા સાંભળતાં ને જેનો નિર્ણય કરતાં પણ મુમુક્ષને
આનંદ આવે એના સાક્ષાત્ અનુભવની શી વાત! ભગવાન આત્મા પોતે
અનુભૂતિનો નાથ છે. પોતે અનુભૂતિ સ્વરૂપ છે. પોતે પોતાની અનુભૂતિ માટે વચ્ચે
કોઈ વિકલ્પ કરવો પડે એવું તેનું સ્વરૂપ નથી; વિકલ્પોથી તો તેની અનુભૂતિ પાર
છે.–આવા આત્માને ઓળખે તેનો અવતાર સફળ છે. આવા આત્માને અનુભવમાં
લેતાં અનંતસુખ પ્રગટે છે ને ચોરાશીલાખના ચક્કરનો અંત આવે છે. અહા,
અનંતકાળ ટકે એવો મહા આનંદ, તેનો ઉપાય પણ એવો જ હોય ને! પુણ્યથી ને
રાગથી કાંઈ એ ઉપાય હાથ ન આવે. અંતરના જ્ઞાન સમુદ્રમાં ડુબકી માર, તો અપૂર્વ
સુખ પ્રગટે, ને દુઃખનો અંત આવે. આત્માનો સ્વભાવ પરમ અદ્ભુત છે. તેને લક્ષમાં
લેતાં પોતાને વિશ્વાસ આવી જાય છે કે બસ, હવે આ આત્મા સંસારથી પાછો વળ્‌યો
છે ને મોક્ષને સાધી રહ્યો છે. બીજ ઊગી છે....તે વધીને પુનમ થવાની છે.
વૈશાખ સુદ બીજના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે આત્માનો ચિદાનંદ સ્વભાવ
નિત્ય–ધ્રુવ–ટકતો છે, ને શુભાશુભ આસ્રવો અનિત્ય–અશરણ–ક્ષણિક છે, આત્માનો
સ્વભાવ દુઃખ વગરનો સુખમય છે. ને આસ્રવો તો દુઃખરૂપ છે, તેનું ફળ પણ દુઃખ જ
છે; –આવો નિર્ણય કરતાં આત્મા પોતે આસ્રવોથી જુદો પડીને વિજ્ઞાનઘનસ્વભાવરૂપ
થાય છે. દયાદિ શુભરાગ કે હિંસાદિ અશુભરાગ તે બંનેથી પાર વિજ્ઞાનઘનસ્વભાવ