Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૫ :
અહો, આત્માના પરમસ્વભાવના મહિમાની શી વાત? પરમાગમને
વલોવી–વલોવીને સંતોએ ચૈતન્ય પરમતત્ત્વ બહાર કાઢ્યું છે, દેવ–ગુરુ
શાસ્ત્રોએ આ પરમસ્વભાવનો મહિમા ગાયો છે. આવા પરમ સ્વભાવને
પોતાના અંતરમાં ભેદજ્ઞાનરૂપ તીક્ષ્ણબુદ્ધિવડે ઉપાદેય કરીને ધર્મી જીવો તેની
ભાવના કરે છે. જેની બુદ્ધિ તીક્ષ્ણ થઈ છે,–રાગથી જુદી થઈને અતીન્દ્રિયરૂપે
પરિણમીને અંતરસ્વભાવમાં ઘૂસી ગઈ છે–તે જીવને તે તીક્ષ્ણબુદ્ધિમાં પોતાનો
પરમ આત્મા જ ઉપાદેય છે. રાગબુદ્ધિવાળા જીવો આવા સ્વભાવને ઉપાદેય
કરી શકતા નથી.
અહો, મારું પરમાત્મતત્ત્વ સદાય આનંદરસઝરતું છે, શુદ્ધોપયોગ વડે જ
તેની ભાવના થાય છે. શુદ્ધોપયોગ વડે નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્ભાવનામાં
તત્પર જીવને નિયમથી મોક્ષમાર્ગ હોય છે. એને સદાય સુપ્રભાત છે એટલે
આનંદની ધારા સદાય વર્તે છે. અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વાદ વગર,
બહારમાં તો બેસતા વર્ષ અનંતવાર બેઠા, છતાં જીવ દુઃખી જ રહ્યો. જ્યાં સુધી
જ્ઞાનપ્રભાત ઊગે નહિ ને અજ્ઞાનઅંધારા ટળે નહિ ત્યાં સુધી જીવ સુખી થાય
નહીં. ભાઈ, અંતર્મુખ થઈને તારા ચૈતન્યતત્ત્વની ભાવના કર. ચૈતન્યભાવનાથી
જે આનંદમય નવું વર્ષ બેઠું, તે એવું બેઠું કે ફરી કદી અંધારું થાય નહિ કે દુઃખ
આવે નહીં. આવા પરમસ્વભાવી આત્માને દ્રષ્ટિમાં લઈને તેની ભાવના કરતાં
મોક્ષમાર્ગ પ્રગટ્યો અને તેમાં દેવ–ગુરુ–શાસ્ત્રની વીતરાગી આજ્ઞા પણ આવી
ગઈ. જેણ આવી ભાવના કરી તેણે મોક્ષપુરીનો મંગલકુંભ સ્થાપ્યો.
સહજ એક જ્ઞાયકસ્વભાવરૂપ જે પોતાનું પરમ તત્ત્વ, તેમાં અંતર્મુખ
શ્રદ્ધા જ્ઞાન–લીનતા વડે અભૂતપૂર્વ સિદ્ધદશા થાય છે. આ અંતર્મુખ ભાવોમાં
ક્્યાંય રાગનું કે પરનું અવલંબન નથી; એકલા સ્વતત્ત્વમાં તે સમાય છે.
ભાઈ, આ તારા અપૂર્વ હિતની વાત છે. અંતરમાં ઊતરીને જેણે
આત્માને શોધી લીધો છે તે ધર્મીજીવ આખા જગતથી ઉદાસ થઈ, રાગથીયે
ઉદાસ થઈ, અંતરમાં ભવદુઃખથી છૂટવા મોક્ષસુખને સાધે છે. હે જીવ!
અનંતકાળના ભવદુઃખની ભયંકર પીડા, તેનાથી છૂટવા ને ચૈતન્યની સાચી
શાંતિ પામવા તું તારા અંતરમાં રાગ વગરના પરમ ચૈતન્યતત્ત્વને દેખ. અનંત
શુદ્ધતાનો ગંજ અંદર છે તેના વેદનસહિતની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
અરે જીવ! તારા તત્ત્વનો મહિમા કોઈ પરમ અદ્ભુત છે; સિદ્ધભગવાન જેવો