સમજાવ્યું છે. જ્ઞાન અને રાગનું સર્વ પ્રકારે પૃથક્કરણ
કરીને જ્ઞાનીની અદ્ભુત દશા ઓળખાવી છે.
અજ્ઞાનીને આત્માનો તો અનુભવ નથી એટલે તે વ્રતાદિ જે કાંઈ કરે છે તે કર્મફળની
વાંછાથી જ કરે છે. સીધી રીતે સંસાર–ભોગને ભલે ન વાંછે, રાજપાટને છોડીને સાધુ
થાય ને શુભરાગ કરે, પણ તે રાગમાં અને તેના ફળમાં જ અટક્યો છે કે આનાથી મને
કાંઈક લાભ થશે. રાગનો જ તેને અનુભવ છે, રાગથી જુદા ચૈતન્યનો અનુભવ તેને
નથી; એટલે તેને તો ચારગતિનું જ ફળ મળે છે, મોક્ષસુખનો સ્વાદ સમ્યગ્દર્શન વગર
આવતો નથી.
તારા આત્માની ધર્મક્રિયા કેવી છે તેને પણ તું ઓળખતો નથી, ને સંસારના કારણરૂપ
રાગક્રિયાને તેં ધર્મક્રિયા માની લીધી છે. રાગથી જુદા ચૈતન્યનો વીતરાગી સ્વાદ
ધર્મીને આવ્યો છે, તે ધર્મી રાગાદિની ક્રિયાને પોતાના જ્ઞાનસ્વભાવથી જુદી જાણે છે
અને તેથી તે રાગાદિના ફળની પણ વાંછા તેને નથી, આ ક્રિયાઓનું ફળ મને કંઈક
સુખનું કારણ થશે કે મોક્ષનું સાધન થશે–એવી બુદ્ધિ ધર્મીને હોતી નથી.