આનંદનો આખો સમુદ્ર ભરેલો છે; તે સમુદ્રને દેખ, તો પર્યાયમાં પણ તે આનંદના
તરંગ ઉલ્લસે ને દુઃખ ન રહે. આનંદની વિકૃતિ તે દુઃખ છે. લાકડામાં દુઃખ નથી, કેમકે
તેનામાં આનંદસ્વભાવ નથી. આનંદસ્વભાવ જ્યાં ન હોય ત્યાં તેની વિકૃતિરૂપ દુઃખ
પણ ન હોય. દુઃખ તે તો વિકૃતિ ક્ષણિક કૃત્રિમભાવ છે, તે જ વખતે આનંદ–સ્વભાવ
સહજ–અકૃત્રિમ શાશ્વત છે. આનંદસ્વભાવને ભૂલીને અજ્ઞાનથી દુઃખ ઊભું કર્યું છે;
આનંદસ્વભાવને અનુભવમાં લેતાં દુઃખ મટી જાય છે. દુઃખ સંયોગમાં નથી ને
સ્વભાવમાં પણ નથી, તે તો ક્ષણિક વિકૃતિ છે;–કોની વિકૃતિ? આત્માની અંદર જે
આનંદસ્વભાવ ભર્યો છે તેની વિકૃતિ તે દુઃખ છે. આનંદસ્વભાવના અનુભવ વડે તે
વિકૃતદશા ટળીને આનંદ દશા પ્રગટે છે. અરે, દુઃખ શું છે–એનું પણ જીવને ભાન નથી.
દુઃખને ખરેખર ઓળખે તો આખો આનંદસ્વભાવ સિદ્ધ થઈ જાય; આનંદસ્વભાવને
જાણે ત્યારે દુઃખનું સ્વરૂપ ખ્યાલમાં આવે.
ચારિત્રરૂપ અકષાયભાવની ઉત્પત્તિ થાય છે, તે મોક્ષમાર્ગ છે. તે અકષાયભાવનો
આધાર કાંઈ રાગાદિ વિકલ્પો નથી. રાગ–દ્વેષ પોતે કષાય છે, તે અકષાયભાવનું
કારણ થતા નથી; અને શાંત અકષાયસ્વભાવની સન્મુખતાથી કષાયની ઉત્પત્તિ થતી
નથી. કષાય ક્ષણિક વિકૃતભાવ છે, અકષાયસ્વભાવ ત્રિકાળ છે; તે બંનેને જાણે તો
અકષાય–ચૈતન્ય–સ્વભાવનો અનુભવ કરીને કષાયનો અભાવ કરે.–એ મોક્ષમાર્ગ છે.
ક્ષણિક કષાયને કાંઈ ત્રિકાળી સ્વભાવનો આધાર નથી, ત્રિકાળીસ્વભાવમાં તો કષાય
છે જ નહીં; આવા સ્વભાવને લક્ષમાં લેતાં કષાયભાવો છૂટી જાય છે; ને કષાય
વગરની ચૈતન્યશાંતિનું વેદન થાય છે.
જે શ્રદ્ધાસ્વભાવ ત્રિકાળ છે તેનો સ્વીકાર કરતાં મિથ્યાત્વ રહેતું નથી. સમ્યકત્વ પ્રગટ
કરવા માટે આવા આત્મસ્વભાવનો જ આધાર છે, રાગાદિ વિકલ્પોના આધારે
સમ્યગ્દર્શન થતું નથી.