: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૧ :
ધર્માત્મા ભવસુખને પણ અત્યંત છોડે છે; – ભવસુખનું કારણ તો પુણ્ય – શુભરાગ છે,
તે રાગને અને પુણ્યને ચૈતન્યસુખથી જુદા જાણીને ધર્મી પોતાની શક્તિથી તેને છોડે છે,
અત્યંત છોડે છે, ભવસુખ એટલે પુણ્યના ફળરૂપ સ્વર્ગાદિનાં સુખ, – તે કાંઈ ખરેખર
સુખ નથી, તે તો કલ્પનામાત્ર સુખ છે; ખરૂં સુખ એટલે આત્મિકસુખ તો સહજ
ચૈતન્યપરમતત્ત્વના અનુભવમાં જ છે. આવા સુખને ધર્મી નિરંતર અનુભવે છે; ને એના
સિવાયના સમસ્ત શુભાશુભને ભવદુઃખનું કારણ જાણીને છોડે છે. તે જાણે છે કે અમારી
દ્રષ્ટિમાં, અમારા જ્ઞાનમાં, અમારી અનુભૂતિમાં આનંદમય પરમતત્ત્વ જયંવત વર્તી રહ્યું
છે અમારી પરિણતિથી તે દૂર નથી, અમારી અંતર્મુખ પરિણતિમાં તે પરમ તત્ત્વ બિરાજી
જ રહ્યું છે; તેમાં મોહનો કોઈ સંબંધ નથી. મોહનો જેમાં અભાવ છે ને અનંત ગુણના
નિર્મળભાવો જેમાં ઉલ્લસે છે – એવી અંર્તપરિણતિ ધર્મીને નિરંતર વર્તે છે.
ચૈતન્યપરિણતિમાં અપૂર્વ સુખના વેદનપૂર્વક પોતાની આત્મસંપદાને જાણ્યા પછી
ધર્મી જીવ કહે છે કે અરેરે! મારી આવી સરસ આત્મસંપદાને પૂર્વે અજ્ઞાનભાવને લીધે
મેં કદી ન જાણી તેથી હું ભવ–ભવમાં પૂર્વે દુઃખી થઈને સંસારમાં માર્યો ગયો. પણ હવે
તો હું જાગ્યો, મેં મારું મોક્ષઘર દેખ્યું, મારી અપૂર્વ આત્મસંપદા દેખી; તેથી હવે હું
ચૈતન્યસ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલા ઉત્તમ સુખને અનુભવું છું; આત્માના સહજ સુખનો
નિજવિલાસ મને પ્રગટ થયો છે, ને કર્મરૂપી વિષવૃક્ષના સમસ્ત ફળને મેં છોડયા છે. –
આવી ઉજ્વળ જ્ઞાનપરિણતિ તે પોતે જ પ્રાયશ્ચિત્ત છે.
ધર્મીજીવ પરમભાવમાં સ્થિત થઈને અચિંત્ય આત્મસંપદાને અનુભવે છે. અહો!
આવી પરમ આત્મસંપદા એ જ અમારી અનુભૂતિનો વિષય છે. બહારના ઈન્દ્રિયવિષયો
અમારા નથી, તેનાથી દૂર થઈને અંતરની વચનાતીત સમાધિવડે આત્મસંપદાને વિષય
કરીને તેના પરમ સુખને અમે અનુભવીએ છીએ. અજ્ઞાનીનો આ વિષય નથી, આ તો
ધર્માત્માની અનુભૂતિનો જ વિષય છે. અહા, અંદરની અનુભૂતિમાં જેણે આવી અપૂર્વ
આત્મસંપદાને જાણી લીધી તેને જગતના કોઈ બાહ્યવિષયો પોતાના લાગતા નથી, તેમાં
તેનું ચિત્ત ઠરતું નથી. એક ચૈતન્યભાવમાં ચિત્ત ઠરે છે, તે જ પોતાનો લાગે છે.
અંતરમાં ચૈતન્યપ્રભુ ભગવાન બિરાજે છે; શુદ્ધોપયોગ – પરિણતિને સાથે લઈને
તે પ્રભુ પાસે જા. મોટા પુરુષો પાસે જાય ત્યારે કંઈક ઉત્તમ વસ્તુનું ભેટણું સાથે લઈને
જાય છે, તેમ મહા ચૈતન્યપ્રભુ આત્મા, તેની પાસે શુદ્ધોપયોગરૂપ ઉત્તમ ભેટણું લઈને
જા. અંદર ભગવાનને ભેટતાં તું ન્યાલ થઈ જઈશ. અંતર્મુખ થઈને આત્માને સાધવો એ
જ જૈનસંસ્કૃતિ છે. તેમાં જીવને વીતરાગતાના સંસ્કાર પડે છે. જેનાથી આત્મામાં
વીતરાગભાવના સંસ્કાર પડે એ જ સાચી જૈનસંસ્કૃતિ છે. [વધુ માટે જુઓ પાનુ ૨પ]