Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 49

background image

શ્રાવણસુદ પૂનમ આવે છે ને વાત્સલ્યના મધુર સંદેશ લાવે છે. લૌકિકમાં બહેન
પોતાના ભાઈ પ્રત્યે રક્ષાબંધન કરીને કેવું નિર્દોષ વાત્સલ્ય બતાવે છે! તો પછી
સાધર્મીનો ધર્મસંબંધ તો ભાઈ – બહેનના સંબંધ કરતાંય વધુ ઊંચો છે, એના પરસ્પર
વાત્સલ્યની શી વાત!
ધર્માત્માઓ તો નિસ્પૃહ હોય છે, તેઓ કાંઈ કોઈની સહાયની અપેક્ષા રાખતા
નથી, તેઓ તો નિઃશંક અને નિષ્કાંક્ષપણે પોતાની આત્મસાધનામાં વર્તે છે; પણ જેમ
પુત્ર ઉપરનું સંકટ માતા દેખી શકતી નથી તેમ ધર્માત્મા ઉપર કે ધર્મી ઉપરનું કોઈ સંકટ
ધર્માત્મા દેખી શકતા નથી, તેમના પ્રત્યે સહેજે વાત્સલ્ય આવી જાય છે. સાધર્મીને
દેખીને પ્રેમ – પ્રસન્નતા અને આ મારા સ્વજન છે એવો આત્મીયભાવ ધર્મીને આવે છે;
તેથી એકબીજાની ધાર્મિકભાવનાની અનુમોદના અને પુષ્ટિ કરે છે.
અહા, એક જ વીતરાગ–પરમાત્માના ચરણમાં શિર ઝુકાવનારા સૌ સાધર્મીઓને
પરસ્પર વાત્સલ્ય હોય એમાં શું આશ્ચર્ય છે! અહો, જગતમાં સર્વોત્કૃષ્ટ આવો વીતરાગ
જૈનમાર્ગ, તેને ઉપાસનારા સાધર્મીઓ ધન્ય છે.... આદરણીય છે, તેમને માટે હું જેટલું
કરું એટલું ઓછું છે.
બંધુઓ! વીરપ્રભુના મોક્ષનું અઢી હજારમું વર્ષ બેસવાની તૈયારી છે ત્યારે
આપણે સમસ્ત જૈનો અંતરના હાર્દિક વાત્સલ્યથી જૈનસમાજને દીપાવીએ...એક
ધર્માપિતાના સૌ વીર–સંતાનો એક બનીએ, વીરનાથના માર્ગમાં આપણા જીવનને
પવિત્ર કરીને વાત્સલ્યના શણગારથી શોભાવીએ, ને જૈનધર્મધ્વજને આનંદથી જગતમાં
ફરકાવીએ...એ જ ભાવના..
– બ્ર. હ. જૈન.