Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૫ :
નિજસ્વભાવને અવલંબતા જ્ઞાનમાં પરજ્ઞેયને જાણવાની આકુળતા રહેતી નથી.
[શ્રાવણમાસના ખાસ પ્રવચનોમાંથી દોહન]
મારો આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે–એવો નિર્ણય
કરીને જેણે અંતર્મુખ જ્ઞાનમાં પોતાના આત્માને સ્વજ્ઞેય
બનાવ્યો તે સાધકજીવની રાગથી જુદી પડેલી જ્ઞાનપર્યાયમાં
કેટલું અગાધ સામર્થ્ય છે! કેટલી અગાધ શાંતિ છે! તેને
ઓળખતાં પણ આત્મામાં સાધકભાવની ધારા ઉલ્લસી જાય!
એવું સુંદર વર્ણન આપ આ પ્રવચનમાં વાંચશો.
સાધકની વર્તમાન પર્યાયમાં ત્રણકાળના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણવાની તાકાત
છે. ધર્મીને જેમ પોતાની વર્તમાન–પર્યાયની તાકાતનો વિશ્વાસ છે, તેમ ભવિષ્યની
પર્યાયની તાકાતનો પણ વિશ્વાસ છે... એટલે ભવિષ્યને માટે અત્યારે ધારણા કરી લઉં–
એમ ધારણા ઉપર તેનું જોર જાતું નથી. ભવિષ્યમાં મારી જે પર્યાય થશે ત્યારે તે પર્યાય
પોતાના તે વખતના વિકાસના બળે ભૂત–ભવિષ્યને જાણી જ લેશે. એટલે ભવિષ્યની
પર્યાય માટે અત્યારે ધારણા કરી લઉં કે બહારનો ક્ષયોપશમ વધારી લઉં એમ ધર્મીનું
લક્ષ નથી; તે–તે વખતની ભવિષ્યની પર્યાય અતીન્દ્રિયસ્વભાવના અવલંબનના બળે
જાણવાનું કાર્ય કરશે. અહો, આત્માની અનુભૂતિમાં જ્ઞાન એકાગ્ર થયું ત્યાં ધર્મીને બીજું
કાંઈ જાણવાની આકુળતા નથી. જ્યાં જ્ઞાયકસ્વભાવ આખોય અનુભૂતિમાં સાક્ષાત્ વર્તે
છે ત્યાં થોડા થોડા પરજ્ઞેયોને જાણવાની આકુળતા કોણ કરે? એ વાત પ્રવચનસારની
૩૩ મી ગાથામાં કરી છે. – “વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ; સ્વરૂપ–નિશ્ચળ જ
રહીએ છીએ.”
સ્વભાવને અવલંબીને જે જ્ઞાન કામ કરે તેની મહત્તા પાસે શાસ્ત્રના
અવલંબનરૂપ ધારણાની મહત્તા રહેતી નથી. જેને બીજા જાણપણામાં મહત્તા ભાસે છે તે
જીવ નિજસ્વભાવને જાણવા તરફનું જોર ક્યાંથી લાવશે? એને મહત્તા તો બહારના
જાણપણામાં વર્તે છે. વર્તમાન જ્ઞાન અંદર જ્ઞાનસ્વભાવમાં ઊતરી જાય–તેની ખરી કિંમત છે;