Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 49

background image
: ૪ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
રહસ્યભૂત આત્માનું ભણતર ભણી લીધું, –તેની અનુભૂતિ કરી લીધી, તેણે આખા
સર્વજ્ઞ પરમાત્મા પોતામાં પ્રાપ્ત કરી લીધા. –તે ભક્ત છે, તે આરાધક છે, તે મોક્ષનો
પંથી છે. અરે, આત્મઅનુભૂતિના મહિમાની લોકોને ખબર નથી, અને બહારના શાસ્ત્ર
ભણતર વગેરે પરલક્ષી જાણપણામાં તેઓ અટકી જાય છે. પણ શાસ્ત્રોએ કહેલું
ચૈતન્યતત્ત્વ અંતરમાં બિરાજી રહ્યું છે–તેની સન્મુખતા કર્યાં વગર શાસ્ત્રનું રહસ્ય પણ
સમજાય નહિ.
શ્રીગુરુના સાન્નિધ્યથી જે આનંદમય સ્વાનુભૂતિ પ્રગટી તે અદ્ભુત છે; અહા,
અંદર શાંતરસના શેરડા છૂટે છે. આવી અનુભૂતિ તે જ નિર્મળ સુખકારી ધર્મ છે. આવો
ધર્મ મેં પ્રાપ્ત કર્યો છે અને આવા આનંદમય આત્મતત્ત્વના જ્ઞાનવડે સમસ્તમોહનો
મહિમા મેં નષ્ટ કર્યો છે; જ્ઞાનતત્ત્વનો અગાધ મહિમા પ્રગટ્યો ત્યાં મોહનો મહિમા છૂટી
ગયો. આ રીતે શ્રીગુરુની સમીપતામાં મારા પરમતત્ત્વને પ્રાપ્ત કરીને, હવે હું તેમાં જ
લીન થાઉં છું. બધા તીર્થંકરોએ આમ કર્યું છે ને હું પણ તે તીર્થંકરોના માર્ગે જાઉં છું. –
આવી દશાનું નામ પરમભક્તિ છે. આ ભક્તિ ભવને છેદનારી છે ને આ ભક્તિમાં
ચૈતન્યના આનંદરસના ફૂવારા ઊછળે છે.
આ શરીર તો મળ–મૂત્રનો પિંડલો, અને ચૈતન્યપ્રભુ આત્મા તો સુંદર
આનંદરસઝરતા અનંતગુણનો પિંડ–આવા સુંદર આનંદતત્ત્વમાં જેનું ચિત્ત લોલુપ થયું
છે– તેમાં જ ઉત્સુક થઈને લાગ્યું છે તેનું ચિત્ત ઈંદ્રિયવિષયોમાં લોલુપ રહેતું નથી. અહા,
ચૈતન્યના અસંખ્ય અંગમાંથી તો આનંદરસ ઝરે છે, ને શરીરના અંગોમાંથી તો મળ–
મૂત્રાદિ દુર્ગંધ ઝરે છે. જુઓ તો ખરા, ચૈતન્યતત્ત્વની સુંદરતા! આનંદઝરતું આ ઉત્તમ
તત્ત્વ જગતમાં સૌથી સુંદર છે, તેની સન્મુખ થતાં પર્યાયમાં આનંદ ઝરે છે. અરે જીવ!
એકવાર બાહ્ય વિષયોની લોલુપતા છોડીને અંદર આવા સુંદર આનંદમય મહાન તત્ત્વનો
લોલુપ થા... તેને જાણવાની ઉત્સુકતા કર. આવા તત્ત્વને જાણીને તેની અપૂર્વ ભાવનાથી
મોક્ષસુખનો સ્વાદ તને અહીં જ અનુભવાશે.
આહા! જુઓ આ પંચમઆરાના સંતની વાણી! એ તો લાવ્યા છે વિદેહની
વાણી! એના ભાવ અંદર લક્ષમાં લ્યે તો આત્માને ઊંચો કરી દ્યે, ને રાગના
વિકલ્પથી છૂટો પડીને ચૈતન્યની વીતરાગી શાંતિનું વેદન થઈ જાય, –એવી અપૂર્વ
આ વીતરાગી સંતોની વાણી છે. જે સાંભળતાં પણ મુમુક્ષુના રોમ–રોમ હર્ષથી
ઉલ્લસે છે, તેના અતીન્દ્રિયઅનુભવના આનંદની તો શી વાત!