Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 49

background image
: ૩૬ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
અમારો કોઈપણ ગુણ પરદ્રવ્યના આશ્રયે હોવાનું અમે દેખતા નથી. સ્વાશ્રયપણે
ઊપજતા સમ્યક્ત્વાદિ નિર્મળગુણોમાં રાગાદિની ઉત્પત્તિ છે જ નહિ,
સ્વાશ્રિતભાવોથી તે બહાર જ છે. –આવા ભેદજ્ઞાનવડે જ્ઞાનપણે જ ઊપજતો
જીવ રાગદ્વેષનો સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે.
* પરદ્રવ્યને પોતાના ગુણ–દોષનું ઉત્પાદન માનનાર જીવને કદી રાગ–દ્વેષનો નાશ
થતો નથી; તે તો પરનો જ આશ્રય કરતો થકો, પરથી જ પોતાના ગુણ–દોષ
થવાનું માનતો થકો અજ્ઞાનભાવરૂપ જ પરિણમે છે. ભેદજ્ઞાન વગર મોહસમુદ્રને
તે પાર કરી શકતો નથી.
* આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! પરદ્રવ્યને રાગ–દ્વેષનું ઉત્પાદન તું જરાપણ ન
માનીશ. પોતાના જ ગુણપર્યાયોમાં દ્રવ્ય પોતે ઊપજે છે; પોતાની પર્યાયમાં
ઊપજતા કોઈ દ્રવ્યની પર્યાયને બીજો ઉપજાવે–એવી કોઈ વસ્તુમાં યોગ્યતા જ
નથી. સર્વે દ્રવ્યોને સ્વભાવથી જ પોતાની પર્યાયનો ઉત્પાદ થાય છે–એમ
વસ્તુસ્વરૂપ જોવામાં આવે છે. ઘડારૂપે માટી ઊપજે છે, કુંભાર નહીં; તેમ
સમ્યક્ત્વાદિ ગુણરૂપે કે રાગાદિ દોષરૂપે આત્મા ઊપજે છે, પરદ્રવ્ય નહીં.
* હે ભાઈ! એકવાર આવું સ્વ–પરનું સ્પષ્ટ ભેદજ્ઞાન તો કર. ભેદજ્ઞાન કરતાં જ
તને પરદ્રવ્ય ઉપરના રાગ–દ્વેષનો અભિપ્રાય છૂટી જશે ને વીતરાગી જ્ઞાનદશા
વગેરે ગુણો પ્રગટ થશે. મારા ગુણને કે દોષને પરદ્રવ્ય તો કરતું નથી પછી તેના
ઉપર રાગ–દ્વેષ કરવાનું પ્રયોજન ક્યાં રહ્યું? ગુણ પ્રગટ કરવા અને દોષનો ક્ષય
કરવા મારે મારા ચૈતન્યમય સ્વદ્રવ્યનો જ આશ્રય કરવાનું રહ્યું. –આવું
વીતરાગીસ્વાધીન વસ્તુસ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે. પોતાનું ચૈતન્યતત્ત્વ જ તે
સમ્યગ્દ્રષ્ટિનો વિસામો છે; પરમાં ક્યાંય વિસામો નથી.
* જેને થાક લાગે કે વિસામો શોધે; તેમ ભવમાં ભમતાં–ભમતાં થાકેલો જીવ,
રાગ–દ્વેષથી છૂટીને ચૈતન્યધામમાં વિસામો લ્યે છે. પુણ્ય–પાપ તો અનાદિથી
કર્યાં, પણ તેમાં ક્યાંય જીવને વિસામો ન મળ્‌યો, શાંતિ ન મળી; તો તેનાથી જુદી
જાતનો એવો તારો ચૈતન્યસ્વભાવ, તેમાં ઊંડે જઈને વિસામો લે, તેમાં તને
પરમ શાંતિ મળશે. –પૂર્વે કદી નહિ કરેલું એવું અવશ્ય કરવા જેવું આ અપૂર્વ
કાર્ય છે. હે મુમુક્ષુ! મોક્ષ માટે શુદ્ધોપયોગરૂપ થઈને આ અપૂર્વ કાર્ય તું કર. તે
તારું આવશ્યક છે.