Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 49

background image
: ૪૦ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
બંધુઓ, આ લખાય છે ત્યારે આપણે વીતરાગધર્મની આરાધનારૂપ મહાન
પર્યુષણપર્વ આનંદથી ઉજવી રહ્યા છીએ... અને જ્યારે આપ આ વાંચતા હશો ત્યારે
પર્યુષણપર્વની સમાપ્તિની તૈયારી હશે ને ક્ષમાભાવનાનું સુંદર ઝરણું આપણા સૌના
હૃદયમાં વહેતું હશે.
આત્મધર્મનું સંપાદન હંમેશાંં વીતરાગીસંતો પ્રત્યેની પરમભક્તિ અને સાધર્મીઓ
પ્રત્યેના હાર્દિક વાત્સલ્યસહિત જ થાય છે. ગુરુદેવે આપણને સમજાવેલા જૈનશાસનના
સાચા રહસ્યો–કે જે રહસ્યો સમજતાં જરૂર આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે–તે જ
રહસ્યો જિજ્ઞાસુઓ સમક્ષ આત્મધર્મ દ્વારા રજુ થાય છે, ને જિજ્ઞાસુઓ પરમ પ્રેમથી
તેનો લાભ લ્યે છે. પરમ ગંભીર વીતરાગીતત્ત્વો આત્મધર્મમાં રજુ કરતાં, મારી
મંદબુદ્ધિને કારણે કોઈ ક્ષતિ થઈ ગઈ હોય, ક્યાંય અવિનયાદિ ભૂલો થઈ ગઈ હોય તો
પ્રભુ પંચપરમેષ્ઠીભગવંતો પ્રત્યે, પરમ માતા જિનવાણી પ્રત્યે, પૂ. ગુરુદેવ પ્રત્યે, પૂજ્ય
સર્વે સંતો પ્રત્યે અત્યંત નમ્રતાપૂર્વક અંતરથી ક્ષમાયાચના કરું છું ને તે સૌના ચરણોમાં
શિર ઝુકાવીને ભક્તિથી વિનય કરું છું. આ ઉપરાંત કોઈ સાધર્મીજનોની લાગણી
દુભાવાઈ હોય તો તેમના પ્રત્યે પણ વાત્સલ્યપૂર્વક ક્ષમાયાચના કરું છું, ને મારા ચિત્તને
સર્વથા નિઃશલ્ય કરું છું.
અહા, પર્યુષણ એટલે આરાધનાનો મોટો ઉત્સવ! બંધુઓ, આપણે માટે તો
શ્રીગુરુપ્રતાપે નિરંતર પર્યુષણ જેવો જ અવસર છે... આત્માની આરાધના માટેની
સોનેરી ઘડી ગુરુદેવે આપણને આપી છે. આરાધકજીવોનું સાક્ષાત્ દર્શન અત્યારે આ
ભરતક્ષેત્રમાં મળવું– એ કોઈ પરમ સુયોગ છે; ગુરુપ્રતાપે મળેલા આ સુયોગમાં
ધર્માત્મા–સંતજનોના ગંભીર ચૈતન્યગુણોને ઓળખવા, ને પોતામાં તેવા ગુણની
આરાધના પ્રગટ કરવી–તે જ આ સોનેરી–સુયોગની સફળતા છે.
બસ, આરાધના જયવંત હો.
(બ્ર. હ. જૈન)