: ર : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
શ્રીગુરુના સાન્નિધ્યમાં રહેલો જીવ શું પ્રાપ્ત કરે છે? અને
ખરેખર શ્રીગુરુનું સાન્નિધ્ય કોણે કર્યું કહેવાય? તે વાત અદ્ભુત
રીતે ગુરુદેવ આ પ્રવચનમાં સમજાવે છે.
[નિયમસાર કળશ ર૩૪]
જેને ભવછેદક નિર્વાણભક્તિ પ્રગટી છે, એટલે કે જેને રત્નત્રયની આરાધના
વર્તે છે એવા ધર્માત્મા કહે છે કે અહો! શ્રી ગુરુના સાન્નિધ્યમાં નિર્મળ સુખકારી ધર્મ
અમે પ્રાપ્ત કર્યો છે, અને ચૈતન્યના અગાધ મહિમાને જાણનારા જ્ઞાનવડે સમસ્ત મોહનો
મહિમા નષ્ટ થઈ ગયો છે. –આવો હું રાગદ્વેષરહિત શુદ્ધ ધ્યાન વડે શાંતચિત્તથી
આનંદમય નિજતત્ત્વમાં ઠરું છું, નિજપરમાત્મામાં લીન થાઉં છું.
જુઓ, શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ શું? કે નિર્મળ સુખકારી ધર્મની પ્રાપ્તિ થઈ તે
શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ છે. શ્રીગુરુનો ઉપદેશ પણ એ જ છે કે રાગથી પાર
ચૈતન્યતત્ત્વની અનુભૂતિ કરવી. જેણે આવી અનુભૂતિ કરી તેણે જ ખરેખર શ્રીગુરુને
ઓળખીને તેમનું સાન્નિધ્ય સેવ્યું છે. શ્રીગુરુના ઉપદેશના સારરૂપ આનંદમય
આત્મઅનુભૂતિ તેણે પ્રાપ્ત કરી લીધી.
માત્ર શુભરાગ તે કાંઈ શ્રીગુરુના ઉપદેશનો સાર ન હતો. જે રાગમાં અટક્યો છે
ને રાગથી પાર ચૈતન્યની સમીપતા નથી કરતો, તે શ્રીગુરુની નજીક નથી પણ દૂર છે.
ચૈતન્યની સમીપતા કરીને જેણે નિર્મળ સુખકારી ધર્મ પ્રાપ્ત કર્યો તેણે જ ખરેખર
શ્રીગુરુની સમીપતા કરી, અને મોહના જોરને જ્ઞાનબળથી નષ્ટ કર્યું.
એકલા શાસ્ત્રથી નહિ પણ જ્ઞાની ગુરુના સાન્નિધ્યથી આત્મતત્ત્વને જાણતાં
નિર્મળ સુખરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનાદિ વીતરાગપરિણતિ તે સુખરૂપ ધર્મ છે,
સમીપતા છે ને નિમિત્તરૂપે ગુરુની સમીપતા છે.