પ્રતિષ્ઠાનું ઉત્તમ મંગલ મુહૂર્ત વીરનિર્વાણ સંવત રપ૦૦ ના ફાગણ સુદ તેરસનું
આવેલ છે. એકકોર વીરપ્રભુના મોક્ષગમનનું બરાબર અઢીહજારમું વર્ષ ચાલતું હશે
ને સોનગઢમાં વીરનાથપ્રભુના પંચકલ્યાણક થતા હશે. અત્યંત મનોજ્ઞ અને
સૌરાષ્ટ્રના જિનબિંબોમાં સૌથી મોટા એવા વીરનાથ પ્રભુ વેલાવેલા સોનગઢ
પધારશે, સાથે ભારતના ધર્મધૂરંધર સંત કુંદકુંદપ્રભુ, અમૃતચંદ્રસ્વામી,
પદ્મપ્રભસ્વામી અને ઘણાય સંતો પધારશે, પરમાગમમંદિર તો જાણે આપણને
જિનવાણી સંભળાવતું હોય! એમ સર્વત્ર જિનવાણીથી ભરેલું છે,
પરમાગમમંદિરમાં તો બસ, જ્યાં જુઓ ત્યાં ચારેકોર વીતરાગ સંતો ને વીતરાગી
જિનવાણી જ નજરે પડશે. આવા અજોડ પરમાગમમંદિરનો મહોત્સવ નજીક આવી
રહ્યો છે... ગુરુદેવને પણ ખૂબ ઉમંગ છે... મુમુક્ષુજનો પણ હૈયામાં એનું રટણ કરી
રહ્યા છે: પધારો મહાવીરપ્રભુ! પધારો કુંદકુંદપ્રભુ! પધારો જિનવાણી માતા!
મંગલ વધાઈ! મંગલ સ્વાગત!
વચ્ચે પણ મુમુક્ષુ પોતાની મોક્ષસાધનાને છોડતો નથી.