Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ર૯ :
પરિણમન થયું તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન વગેરે છે. જ્યાં જે વસ્તુની ખાણ ભરી હોય
તેમાંથી તે નીકળે; કુવામાં પાણી હોય તો બહાર આવે; તેમ સમ્યગ્દર્શનની ખાણ ક્યાં
છે? સમ્યગ્દર્શનની ખાણ આત્મા છે. અનંત ગુણની ખાણ આત્મા છે. સમ્યગ્દર્શન
વગેરેની પ્રાપ્તિ માટે પોતાના આત્મા સિવાય બીજે ક્યાંય જવું પડે તેમ નથી.
સમ્યગ્દર્શનની ધ્રુવ ખાણ એવો આત્મસ્વભાવ તેનો સ્વીકાર કરતાં જ સમ્યગ્દર્શન થાય
છે, બીજો કોઈ ઉપાય છે જ નહિ. સમ્યગ્જ્ઞાન વગેરેની પણ આ જ રીત છે શુદ્ધાત્માની
સન્મુખતામાં વચ્ચે બીજા કોઈનું કે રાગાદિનું આલંબન છે જ નહીં. આખોય મોક્ષમાર્ગ
એકલા આત્માના જ આશ્રયે છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેમાં કેવળજ્ઞાન ભર્યું છે; રાગની ભેળસેળ વગરનું એકલું
શુદ્ધ જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે. આવા આત્માને જાણતાં આનંદરસથી ભરેલું
સમ્યગ્જ્ઞાન પ્રગટે છે. સમ્યગ્દર્શન સાથે આવું સમ્યગ્જ્ઞાન સદાય હોય છે. ભગવાન
આત્માના શ્રદ્ધાગુણની સમ્યગ્દર્શનપર્યાય જ્ઞાન–આનંદ ને શાંતિના અપૂર્વ વેદન સહિત
પ્રગટે છે. જીવાદિ સાત તત્ત્વો અને તેમાં પરથી ભિન્ન પોતાનો શુદ્ધાત્મા તેને સમ્યગ્દ્રષ્ટિ
જાણે છે ને તેની શ્રદ્ધા કરે છે. સામાન્ય અને વિશેષ બન્નેની વિપરીતતા રહિત પ્રતીત
સમ્યગ્દ્રષ્ટિને છે. એકલું સામાન્ય માને, વિશેષને ન માને, અથવા એકલું વિશેષ માને,
સામાન્યને ન માને, તો તત્ત્વશ્રદ્ધા સાચી થતી નથી. વસ્તુ પોતે સામાન્ય–વિશેષ સ્વરૂપ
છે, તેને વિપરીતતા વગર જેમ છે તેમ જાણીને શ્રદ્ધા કરવી જોઈએ. ધર્મીને શ્રદ્ધા–જ્ઞાનમાં
વિપરીતતા નથી કે સંશયાદિ દોષ નથી. અમારા આત્માને અમે જાણ્યો કે નહીં, અમને
સમ્યગ્દર્શન હશે કે નહીં, અમને અનુભવ થયો તે સાચો હશે કે નહીં! આવો સંશય
ધર્માત્માને હોતો નથી. જ્યાં એવો સંશય હોય ત્યાં તો અજ્ઞાન છે. ધર્મી તો પોતાની
દશાને નિઃશંક જાણે છે કે અપૂર્વ આનંદના વેદનસહિત અમને સમ્યગ્દર્શન થયું છે,
આત્માની સ્વાનુભૂતિ થઈ છે, સર્વજ્ઞદેવે જેવો આત્મા જાણ્યો તેવો જ અમારો આત્મા
અમે અનુભવસહિત જાણ્યો છે; તેમાં હવે કોઈ શંકા નથી. આવા શ્રદ્ધા–જ્ઞાનવડે
મોક્ષમાર્ગની આરાધના થાય છે. આત્માના શ્રદ્ધા–જ્ઞાન વગર કોઈ જીવ ભલે દ્રવ્યલિંગી
સાધુ થાય પણ અંદર તેને સંશયાદિ દોષ રહ્યા જ કરે છે. જ્યાં સમ્યગ્જ્ઞાન ત્યાં
આત્માનો સંશય નહીં, અને જ્યાં આત્માનો સંશય ત્યાં સમ્યગ્જ્ઞાન નહીં. ‘જ્યાં શંકા
ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ. ’ જ્ઞાની જીવો આત્મસ્વરૂપમાં નિઃશંકિત
હોય છે અને તેથી મરણાદિના ભયરહિત નિર્ભય હોય છે.