: પોષ : રપ૦૦ આત્મધર્મ : ૨૯ :
જૈન કેવો હોય?
જૈનના સાચા પંડિત માત્ર શાસ્ત્રભણતર વડે થઈ શકાતું
નથી, પણ ભાવશ્રુતથી સ્વ–પરની ભિન્નતાનો વિવેક કરીને
આત્માને જે જાણે તે સાચો જૈન–પંડિત છે. એટલે જૈનધર્મના સાચા
પંડિત કે શ્રાવક થવા માટે આ જ પહેલું કર્તવ્ય છે કે દેહાદિથી ભિન્ન
પોતાના આત્માને જાણીને અનુભવવો.
(અષ્ટપ્રવચનમાંથી.)
* અનંતગુણગંભીર સમ્યક્ત્વની અદ્ભુતદશા! *
સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્માના શુદ્ધસ્વરૂપનો પ્રકાશક છે, જીવાદિ નવે તત્ત્વોનું સ્વરૂપ
જેમ છે તેમ તે જાણે છે. જીવાદિ તત્ત્વોના સાચા સ્વરૂપને જે ન જાણે તે શુદ્ધતાને ક્યાંથી
સાધી શકશે? ધર્મીજીવ જીવાદિતત્ત્વના સ્વરૂપને બરાબર જાણીને તેમાંથી પોતાના શુદ્ધ
ચૈતન્યતત્ત્વને બીજાથી ભિન્ન અનુભવે છે; એ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ શુદ્ધતત્ત્વનો પ્રકાશક
છે, તે જ ખરો પંડિત છે; તેને આત્મવિદ્યા આવડે છે તેથી તે જ ખરો વિદ્વાન છે. તેના
સમ્યક્ત્વ–પરિણામ શુદ્ધ છે; વ્યવહારના શુભરાગપરિણામ તે કાંઈ શુદ્ધ નથી, તે તો
અશુદ્ધ છે. સમ્યક્ત્વપરિણામ તો રાગ વગરના શુદ્ધ છે, અને મિથ્યાત્વનો તેમાં અભાવ
છે.
વળી તે સમ્યગ્દ્રષ્ટિજીવ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો ભક્ત છે, તેમની પૂજા–ભક્તિ–
બહુમાનમાં તત્પર છે; અને તેમણે કહેલા સમ્યક્ધર્મને તે આચરે છે. મિથ્યાભાવથી મુક્ત
થઈને તે સમ્યક્ત્વને અનુભવે છે, સમ્યક્ત્વાદિરૂપે પરિણમેલા શુદ્ધ આત્માને તે વેદે છે.
જુઓ, સંતોએ સમ્યગ્દ્રષ્ટિજીવની અંતરંગદશાનું કેવું સરસ વર્ણન કર્યું છે!
ચિદાનંદસ્વભાવની સન્મુખ થયેલા સમ્યગ્દ્રષ્ટિને રાગાદિ દુઃખભાવો પ્રત્યે સહેજે
ઉદાસીનભાવ હોય છે, એટલે તેના પરિણામ સંસારથી વિમુખ વર્તે છે. ભલે ગૃહવાસમાં
હોય તોપણ ખરેખર તે સંસારથી વિમુખ છે. અનંતગુણગર્ભિત શ્રદ્ધાનું બળ જ કોઈ એવું
છે કે આત્માને પરભાવોથી પૃથક્ જ દેખે છે.