: ચૈત્ર : રપ૦૦ આત્મધર્મ : ૯ :
ગઈ! વાહ રે વાહ ચૈતન્યતત્ત્વ! જ્યાં તારા શાંતરસનું ઘોલન ચાલતું હોય, જ્યાં
ધોધમાર શાંતરસ વરસતો હોય ત્યાં જગતનું કોઈ દુઃખ કેમ રહે? રાગ–દ્વેષમાં
દુઃખ છે, વીતરાગતામાં તો મધુરી શાંતિ છે–
–તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે, તે ભવ્ય ભવસાગર તરે.
વાહ રે, વાહ! જુઓ તો ખરા કુંદકુંદપ્રભુની મીઠી વાણી! એકલો
વીતરાગરસ એમાં નીતરી રહ્યો છે.
સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર કહો, કે પરમાગમનું તાત્પર્ય કહો, તે
વીતરાગભાવ જ છે. ખરેખર વીતરાગપણું જ સાક્ષાત્ મોક્ષમાર્ગમાં અગ્રસર છે.
અને તેની પાસે તો અરિહંતાદિનો રાગ તે પણ અંતરના દાહનું કારણ છે. –આમ
સમજીને સાક્ષાત્ મોક્ષનો અભિલાષી મહાત્મા, ચૈતન્યતત્ત્વના વીતરાગી અમૃતમાં
લીન થઈને, સઘળા પ્રત્યેના સમસ્ત રાગને છોડે છે; એ રીતે દુઃખથી બળબળતા
ભવસાગરને પાર કરીને તે ઉત્તમ મોક્ષસુખને અનુભવે છે.
અહો, આવું વીતરાગપણું જયવંત વર્તો. તે ત્રણલોકમાં સારરૂપ છે.
‘તીન ભુવનમેં સાર, વીતરાગ વિજ્ઞાનતા. ’
અરિહંતાદિ પરદ્રવ્ય પ્રત્યેની ભક્તિનો જરાક પણ રાગ રહી જાય, તો તે
સાક્ષાત્ મોક્ષને અંતરાય કરનાર છે–એમ આચાર્યદેવે ૧૭૧ મી ગાથામાં પ્રસિદ્ધ
કર્યું છે. ને પછી આ ૧૭૨ મી ગાથામાં સમસ્ત રાગ છોડીને વીતરાગતાનો ઉપદેશ
આપ્યો છે.
અરે, સૂક્ષ્મરાગ વડે પણ જીવની પરિણતિ કલંકિત થાય છે; રાગના
અંગારામાં સેકાતો જીવ દુઃખી થાય છે. અરે, રાગમાં તે શાતિ કેમ હોય? રાગના
સૂક્ષ્મવેદનને પણ ધર્મીજીવ દુઃખ અને બળતરા જાણે છે; –પછી ભલે તે રાગ
ભગવાન પ્રત્યેનો હોય. અરે, આ વાત કોને બેસે? કે અંતરમાં રાગથી પાર
ચૈતન્યની વીતરાગી શાંતિનો સ્વાદ જેણે ચાખ્યો હોય, તેને રાગમાં બળતરા અને
દુઃખ જ લાગે. અરે, રાગ અને વીતરાગતાના સ્વાદ વચ્ચેનો તફાવત પણ જે ન
જાણે તે રાગથી ભિન્ન ચૈતન્યશાંતિને ક્યાંથી અનુભવશે? અને એવા અનુભવ
વગર પરમાર્થ–સિદ્ધભક્તિ પણ હોતી નથી.