Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 57

background image
પંચકલ્યાણક પૂરા થયા ને ઈન્દ્રો વગેરે સીમંધરપ્રભુના દર્શન કરવા જિનમંદિરમાં
આવ્યા, તે વખતે જિનમંદિરમાં ભક્તોની ભીડ બેસુમાર હતી. સાત–સાત દરવાજા
ધરાવતું વિશાળ મંદિર તે પણ આજે તો ઘણું નાનું લાગતું હતું. આખું સોનગઢગામ
ચારેકોર દર્શકોની ભીડથી ઉભરાતું હતું. ઉત્સવની પૂર્ણતાનો આનંદ સર્વત્ર ફેલાઈ રહ્યો
હતો.
૮ા વાગે ગુરુદેવનું પ્રવચન થયું. ત્યાર પહેલાંં ઈંગ્લીશ ભાષામાં જૈન
બાળપોથીનું પ્રકાશન થયું. માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈ ઝવેરીએ ગુરુદેવને પુસ્તક
અર્પણ કર્યું. ત્યારબાદ ગુરુદેવે પ્રથમ પુસ્તક શેઠ શ્રી શાંતિપ્રસાદજી શાહૂને આપ્યું. આ
બાળપોથીની કુલ નકલ ૧૩૦૦૦ (પાંચ ભાષામાં) પ્રકાશીત થઈ ગઈ છે. જૈન
સાહિત્યનું આ એક ગૌરવ છે; અને તેની ખુશાલીમાં પ્રમુખશ્રીના હસ્તે બાળપોથીના
લેખક (બ્ર. હરિભાઈ જૈન) ને સુવર્ણચંદ્રક ભેટ આપવામાં આવ્યો છે.
ત્યારબાદ આ ભવ્ય પરમાગમમંદિરના કામકાજમાં મુરબ્બી શ્રી રામજીભાઈએ
૯૧ વર્ષની ઉંમરે પણ જે માર્ગદર્શન આપ્યું છે, ને નાના–મોટા દરેક પ્રશ્નોનો ઝડપી ઉકેલ
લાવીને પરમાગમ–મંદિરનું કામ અત્યંત સુંદર રીતે પૂર્ણતાએ પહોંચાડયું છે–તે બદલ
જૈનસમાજ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પરમાગમમંદિરની એક
સુંદર પ્રતિકૃતિ અભિનંદન પત્ર સાથે શ્રીમાન શાંતિપ્રસાદજી શાહૂના હસ્તે તેઓશ્રીને
અર્પણ કરવામાં આવી હતી. ખરેખર મુરબ્બીશ્રી રામજીભાઈની દોરવણીમાં સમસ્ત
મુમુક્ષુઓએ તમન્નાથી પરમાગમમંદિરનું કામ પાર પાડયું છે, ને ગુરુદેવના મંગલ પ્રતાપે
ઉત્સવ પણ ધાર્યા કરતાં સવાયા ઉમંગથી ઉજવાયો છે.
ફાગણ સુદ તેરસે બરાબર ૧૧ વાગે પરમાગમમંદિરમાં પ્રતિષ્ઠા થઈ. ગુરુદેવે
અત્યંત ભક્તિપૂર્વક મહાવીર ભગવાનના અતિશય ભવ્ય જિનબિંબના ચરણસ્પર્શ
કરીને કમલ પર સ્થાપના કરી. અહા, શો એ વખતનો ઉલ્લાસ! કેવી ભીડ! ને ચારેકોર
હર્ષનો કેવો કોલાહલ! આકાશ પણ હેલિકોપ્ટરના અવાજથી ગાજતું જાણે કે ભક્તિના
કોલાહલમાં ઉમેરો કરી રહ્યું હતું. પ્રભુજીને સ્થાપના કરવાનો લાભ જયપુરના
પુરનચંદજી ગોદિકાએ લીધો હતો. પ્રભુની સ્થાપના પછી એમની પ્રશાંત મુદ્રા નીહાળ્‌યા
જ કરવાનું મન થતું હતું. તે પ્રશાંતમુદ્રા પ્રસિદ્ધ કરતી હતી કે ચૈતન્યની શાંતિમાં
સંસારનો કોઈ કોલાહલ નથી. એટલે ભગવાનની સ્થાપનાના બહાને મુમુક્ષુઓ પોતાના
અંતરમાં ચૈતન્યની શાંતિની જ સ્થાપના કરતા હતા,–એવા એ વખતના ભાવો હતા.