એમાં સ્વભાવનું સાધન કરવાને બદલે ધનને વધારવા માટે તું આ અવસરને વેડફી
નાંખે છે તો તારા જેવો મૂર્ખ કોણ? તું દિનરાત ધનની વૃદ્ધિ અર્થે પ્રયત્ન કરીને
પાપ બાંધે છે, ને સ્વભાવધર્મનું સાધન તું કરતો નથી. આયુષ અને પુણ્ય ઘટે છે
છતાં ધનની વૃદ્ધિથી તું માને છે કે હું વધ્યો. પણ ભાઈ, એમાં તારું કાંઈ હિત નથી.
તારું હિત તો એમાં છે કે તું તારા સ્વભાવનું સાધન કર...આત્માના મોક્ષને માટે
પ્રયત્ન કર. આ ભવ છે તે ભવના અભાવ માટે છે એમ સમજીને તું આત્માના
હિતનો ઉદ્યમ કર. આવો હિતકારી ઈષ્ટ ઉપદેશ સંતોએ આપ્યો છે.
એનો એને કાંઈ વિચાર નથી. એને ધન જેટલું વહાલું છે તેટલો જીવ વહાલો નથી,
તેથી ધનને અર્થે તે જીવનને વેડફી નાંખે છે. ઈષ્ટ એવો જે આત્મા તેને ભૂલીને જેણે
ધનને કે માનને ઈષ્ટ માન્યું, તે ધનને અર્થે તથા માનને અર્થે જીવન ગાળે છે. પણ
ઈષ્ટ તો મારો જ્ઞાનસ્વભાવી આત્મા છે, એના સિવાય બીજું કાંઈ મારું ઈષ્ટ નથી–
એમ જેણે આત્માને ઈષ્ટ જાણ્યો તે જીવ આત્માને સાધવા માટે પોતાનું જીવન આપી
દે છે. ઈષ્ટ તો સાચું તે જ છે કે જેનાથી ભવઃદુખ ટળે ને મોક્ષસુખ મળે. આવા
ઈષ્ટને જે ભૂલ્યો તે જ પરને ઈષ્ટ માનીને તેમાં સુખ માને છે ને તેમાં જીવન ગુમાવે
છે. ધર્મીને તો આત્માનો સ્વભાવ જ સુખરૂપ ને વહાલો લાગ્યો છે, ‘જગત ઈષ્ટ
નહિ આત્મથી’ એમ આત્માને જ ઈષ્ટ સમજીને તેના સાધનમાં જીવન ગાળે છે.