સોંપ્યું–તેમાં તેં તારા ચૈતન્યની હિંસા કરી છે. જેણે આત્માને રાગવાળો માન્યો તેણે
રાગનો કર્તા થઈને ચૈતન્યભાવને હણી નાંખ્યો છે. રાગ તો ઉપાધિરૂપ છે, તે કાંઈ
ચૈતન્યનો ગુણ નથી; ચૈતન્યગુણને ભૂલીને અજ્ઞાની અશુદ્ધભાવને કરે છે; તે જડને
કરતો નથી કે શુદ્ધભાવને પણ અનુભવતો નથી. તે માત્ર પોતાના અશુદ્ધ ભાવનો જ
કર્તા થઈને તે–રૂપે પરિણમે છે. જેમ સાચા–ખોટા માલની ભેળસેળ કરવી તે ગુન્હો ને
કાળાબજાર છે, તેમ આત્મામાં શુદ્ધચૈતન્યને અને અશુદ્ધરાગાદિને ભેળસેળ કરીને
અજ્ઞાની ગુન્હો કરે છે, તે પોતાને અશુદ્ધ જ અનુભવતો થકો સંસારમાં રખડે છે.–આવા
અજ્ઞાનભાવમાં રાગાદિ અશુદ્ધભાવનું કર્તાપણું છે–એમ બતાવીને તે છોડાવવા માટે આ
વાત છે. ભાઈ, જ્ઞાનમાં રાગની ભેળસેળનો ઊંધો ધંધો તું છોડી દે. જ્ઞાનને અને રાગને
જુદા જાણીને, વિકલ્પોનું કર્તૃત્વ તું છોડી દે. આતમરામમાં રાગને હરામ કર. રાગ એ
આત્મારામની જાત નથી પણ હરામની જાત છે–કર્મની જાત છે.–માટે તેને જુદા જાણીને
તેનું કર્તૃત્વ છોડ. જેમાં જે તન્મય થાય, જેમાં જેને સુખ લાગે, તેનો તે કર્તા થાય.
રાગનો જે કર્તા થાય તે તેમાં તન્મય થઈને મિથ્યાત્વરૂપે પરિણમે છે. શાંતિ ને અનાકુળ
આનંદથી ભરેલું ચૈતન્યતત્ત્વ તેની દ્રષ્ટિમાં–અનુભૂતિમાં આવતું નથી, એટલે રાગાદિ
અશાંત ભાવોનો તે કર્તા થાય છે.
જડનો અભાવ છે, છતાં તેને જડ સાથે એકતા માનવી કે જડ સાથે કર્તાકર્મપણું માનવું
તે અજ્ઞાન છે, ને એવો અજ્ઞાનીજીવ મિથ્યાત્વ–રાગાદિ અશુદ્ધ પરિણામરૂપે પરિણમતો
થકો તેનો કર્તા થાય છે. ને ધર્મીજીવ રાગથી ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને શુદ્ધ
અનુભવતો થકો પોતાના શુદ્ધ સમ્યક્ત્વાદિ જ્ઞાનભાવને જ કરે છે, પણ રાગાદિ
અશુદ્ધભાવનો કર્તા થતો નથી.
ધર્મીજીવ ચૈતન્યજાતમાં પરિણામરૂપે જ પોતાને અનુભવતો થકો તેનો જ કર્તા થાય છે.