: અષાઢ : ૨૫૦૦ આત્મધર્મ : ૧૩ :
અહો, શુદ્ધચૈતન્યદ્રષ્ટિની આ વાત સમજતાં અપૂર્વ ભેદજ્ઞાન થાય છે, ને
રાગાદિના કર્તૃત્વથી છૂટીને શુદ્ધ જ્ઞાનપરિણમન વડે જીવ મોક્ષમાર્ગને સાધે છે.
જુઓ, બધા પડખાથી અનેકાન્તરૂપ વસ્તુસ્વરૂપ જિનમાર્ગઅનુસાર બરાબર
જાણવું જોઈએ. ધર્મીને રાગાદિ અશુદ્ધભાવનું કર્તાપણું નથી–એમ કહ્યું, તે સ્વભાવના
શુદ્ધપરિણમન અપેક્ષાએ કહ્યું છે; પણ તેથી કાંઈ ધર્મીને રાગાદિ અશુદ્ધ પરિણમન થતું
જ નથી–એમ એકાંત નથી; જેટલા રાગાદિ ભાવો પૂજા–તીર્થયાત્રા વગેરે શુભના, કે
વેપાર–ધંધા વગેરે અશુભના, થાય છે તેટલું અશુદ્ધપરિણમન પણ તેનું જ છે, તે કાંઈ
બીજા કોઈકનું પરિણમન નથી, કે જડમાં કાંઈ તે ભાવો થતા નથી. તે જીવની પર્યાયમાં
જ તેવું અશુદ્ધપરિણમન હજી છે. તેમજ, એવા રાગાદિભાવો જેને થાય તે જીવને ધર્મી
કહેવાય જ નહિ–એમ પણ નથી. રાગાદિ થતા હોય છતાં તે જ વખતે તેનાથી ભિન્ન
શુદ્ધ ચૈતન્યભાવનું પરિણમન જેને ભેદજ્ઞાનના બળે વર્તે છે તે જીવ ધર્મી છે, ને તે
ધર્મીજીવના શુદ્ધપરિણમનમાં રાગાદિ અશુદ્ધતાનું કર્તૃત્વ જરાપણ નથી. હા, રાગાદિ
વખતે તે રાગાદિ જેટલો જ પોતાને અશુદ્ધ અનુભવે, ને શુદ્ધતારૂપ પરિણમન જરાય
હોય જ નહિ–તો તે જીવ અધર્મી છે.–આ રીતે જ્ઞાની તથા અજ્ઞાનીના પરિણામની જે
રીતે જે સ્થિતિ છે તેને બરાબર ઓળખવી જોઈએ; તો જ પોતામાં ભેદજ્ઞાન થાય, ને
રાગાદિ અશુદ્ધતાનું કર્તૃત્વ છૂટીને, શુદ્ધજ્ઞાનપરિણમનરૂપ મોક્ષમાર્ગ પ્રગટે.
‘જગત ઈષ્ટ નહિ આત્મથી’
જગતને રાજી કરવા કરતાં આત્માને રાજી કર.
અહો, જૈનશાસન કોઈ અપૂર્વ છે. બીજા કોઈ સાથે તેનું મિલાન થઈ
શકતું નથી. બીજા મિથ્યામત સાથે સર્વજ્ઞના જૈનધર્મનું મિલાન કરવું તે તો
જનરંજન છે; અને જ્યાં જનરંજન છે ત્યાં જિનરંજન થતું નથી. જનરંજન એ
તો સંસાર છે. બાપુ! તું જગતને રાજી કરવા રોકાણો તો મોક્ષને ક્્યારે
સાધીશ? જનરંજનની વૃત્તિ છોડીને જિનરંજન કર...એટલે કે આત્મા રાજી થાય
ને આત્માનું હિત થાય–તેમ કર. ધર્મી તો જનરંજન છોડીને ‘આત્મરંજન’ કરે
છે. લોકો રાજી થાય કે ન થાય, પણ મારો આત્મા રાજી થાય ને મારો આત્મા
ધર્મસાધન વડે આ ભવદુઃખથી છૂટીને મોક્ષસુખને પામે–એનું ધર્મીને લક્ષ છે.