: શ્રાવણ–ભાદ્ર : રપ૦૦ આત્મધર્મ : ૯ :
શ્રાવકનાં આચાર
જૈન સદ્ગૃહસ્થ શ્રાવકનું જીવન કેવા સુંદર ધાર્મિક આચારથી
શોભતું હોય છે–તેનું આ વર્ણન છે. તેમાં મૂળ કર્તવ્યરૂપ સમ્યક્ત્વનો
મહિમા, તથા તેને માટે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપની
ઓળખાણ કેવી હોય તે ગતાંકમાં બતાવ્યું. હવે તે સમ્યગ્દર્શન
ઉપરાંત અહિંસાદિ વ્રતો કેવાં હોય છે તે આપ અહીં વાંચશો. શ્રી
સકલકીર્તિરચિત શ્રાવકાચાર (અધ્યાય ૧ર) માંથી આ સંક્ષિપ્ત
દોહન આપવામાં આવ્યું છે. (–સં.)
શ્રાવકનાં ૧૧ સ્થાનોમાં પ્રથમ દર્શનપ્રતિમા છે. સમ્યક્ત્વસહિત જેને આઠ
મૂળગુણોનું ધારણ છે અને સાત વ્યસનોનો ત્યાગ છે, તેને જિનદેવે દર્શનપ્રતિમાયુક્ત
દાર્શનિક શ્રાવક કહ્યો છે.
માંસ–મધ–દારૂ તથા પાંચ ઉદમ્બર ફળોનો નિરતિચાર ત્યાગ તે અષ્ટ મૂળગુણ
છે. (ઈંડા તે પણ પંચેન્દ્રિયનું માંસ જ છે.)
માંસને છોડયા વગર જે ધર્મ વાંછે છે તે મૂર્ખ જીવ આંખ વગર નાટક જોવા
ચાહનારા અંધ જેવો છે. રોગાદિ દૂર કરવાના હેતુથી પણ જે મધનો ઉપયોગ કરે છે તે
જીવ મહાપાપથી નરકાદિ દુર્ગતિમાં જાય છે.
પ્રાણોનો ત્યાગ થઈ જાય તો ભલે થઈ જાય પરંતુ ગમે તેવા દુષ્કાળ વગેરેમાં
પણ, અસંખ્ય ત્રસજીવથી ભરેલા એવા પંચઉદમ્બર ફળો વગેરેનું ભક્ષણ કરવું ઉચિત
નથી. હે મિત્ર! ધર્મની પ્રાપ્તિ માટે તું તે બધાનો ત્યાગ કર.
આઠ મૂળગુણ, તે બાર વ્રતોનું મૂળ કારણ છે, અને બાર વ્રતોની પહેલાંં તે
ધારણ કરવામાં આવે છે, તેથી તેને શ્રાવકનાં મૂળગુણ કહેવામાં આવ્યાં છે. તે સ્વર્ગાદિનું
કારણ છે.
દ્યુતક્રીડા, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રી–એ સાતેનું સેવન
મહાપાપરૂપ છે, ને સાત નરકનું તે દ્વાર છે; માટે તે સાતે પાપ–વ્યસનોને હે ભ્રાત! તું
સર્વથા છોડ.