: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ–ભાદ્ર : રપ૦૦
અચૌર્યવ્રતનું વર્ણન: અધ્યાય–૧૪
જેઓ પોતે અનંત ગુણના સાગર છે ને અનંત ગુણના પ્રદાતા છે એવા શ્રી
અનંત–જિનને, અનંતગુણની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરીને, અહિંસાવ્રતની રક્ષાના હેતુરૂપ
અચૌર્યવ્રત કહીએ છીએ.
હે ભવ્ય! દીધા વગર અન્યના ધન–ધાન્ય વગેરેનું ગ્રહણ ન કરવું તે અચોરી છે;
વગર દીધેલા અન્યના ધનને લેવાની વૃત્તિ તું દૂરથી જ છોડ; કેમ કે, સર્પને પકડવો તો
ભલો છે પણ બીજાનું ધન લઈ લેવું તે ઠીક નથી; ભીખ માંગીને પેટ ભરવું સારૂં પણ
અન્યનું દ્રવ્ય ચોરીને ઘી–સાકર ખાવા તે સારૂં નથી. ચોરીનું પાપ કરનારા જીવનું મન
કયાંય સ્વસ્થ રહી શકતું નથી...અરેરે, ચોરને તો શાંતિ ક્્યાંથી હોય? તેનું ચિત્ત સદા
શંકાશીલ રહે છે.
ત્રણલોકની ઉત્તમ લક્ષ્મી પુણ્યવાનના ઘરે નીતિમાર્ગથી જ આવે છે. (ચક્રવર્તી
વગેરે વિભૂતિ કાંઈ ચોરી કરીને કોઈને નથી આવતી, એ તો પુણ્યવંત જીવોને
નીતિમાર્ગથી સહેજે પ્રાપ્ત થાય છે.) ધનના લોભથી સદોષ (અભક્ષ્ય વગેરેનો) વ્યાપાર
કરવો પણ ઉચિત નથી. ધનનો નાશ થતાં સંસારી જીવોને મરણ જેવું દુઃખ થાય છે; ધન
તેમને પ્રાણ જેવું વહાલું છે તેથી જેણે બીજાનું ધન ચોર્યું તેણે તેના પ્રાણ જ ચોર્યા, એટલે
તેને જીવહિંસા જ થઈ. માટે હે બુદ્ધિમાન, હિંસા–પાપથી બચવા તું ચોરી પણ છોડ. અરે,
એવો તે કોણ બુદ્ધિમાન હોય કે જે થોડાક ધનને માટે ચોરીનું મહાપાપ કરીને નરકાદિ
દુર્ગતિમાં ભમે? કુટુંબીજનોના ઉપભોગને માટે પણ જે ચોરીનું પાપ કરે છે તે પણ તે
પાપનું ફળ ભોગવવા નરકમાં જવા ટાણે તો એકલો જ જાય છે, જેને માટે ચોરી કરી તે
કુટુંબ કાંઈ સાથે જતું નથી. આમ સમજીને હે ભવ્ય! તું વિષસમાન અભક્ષ્યસમાન,
પાપ–કલેશ તથા અપયશના કારણરૂપ એવી ચોરીને છોડ...પરધનહરણને છોડ...ને
સંતોષપૂર્વક અચૌર્યવ્રતનું પાલન કર. બીજાએ ચોરેલા ધનને પણ તું તારા ઘરમાં ન
રાખ. અચૌર્યવ્રતના પાલનમાં વારિષેણ–રાજપુત્ર પ્રસિદ્ધ છે. તેઓ સ્થિતિકરણમાં પણ
પ્રસિદ્ધ છે; તેમની કથા ‘સમ્યક્ત્વ કથા’ માંથી જાણી લેવી. (ચોરીના પાપસેવનમાં એક
દંભી–તાપસીની કથા પ્રસિદ્ધ છે.)